જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ : વૈકલ્પિક રૂટ પણ જાહેર કરાયામોરબી : ટંકારા ખાતે તા.૧૦મીથી ત્રણ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મોત્સવ યોજાનાર છે. જેમાં તા.૧૨ના રોજ રાષ્ટ્રપતિ પધારવાના હોય, ટંકારા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ હોવાથી તા. ૧૨ના રોજ સવારે ૬ થી સાંજે ૬ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી માટે કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.જેમાં મોરબી તરફથી લજાઈ ચોકડી તરફથી ટંકારા આવવા તરફ પ્રવેશી શકાશે નહી. રાજકોટ તરફથી મીતાણા ચોકડીથી ટંકારા તરફ પ્રવેશી શકાશે નહી. જામનગરથી આવતો રોડ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયાથી ટંકારા તરફ પ્રવેશી શકાશે નહીં.આ માટે વૈકલ્પીક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં લજાઇ ચોકડી, હડમતીયા - કોઠારીયા, જડેશ્વર, ભંગેશ્વર, નિથવા, પીપળીયા રાજ, વાલાસણ, મીતાણા ચોકડીથી આવી જઇ શકાશે. મીતાણા ચોકડીથી વાલાસણ - પીપળીયા રાજ તિથવા, ભંગેશ્વર, જડેશ્વર, કોઠારીયા, હડમતીયા, લજાઈ ચોકડી આવી જઇ શકશે. જામનગરથી કલ્યાણપર પાટીયા, કલ્યાણપર ગામ, ખીજડીયા ચોકડી ધ્રુવનગર, લજાઇ ચોકડી આવી જઇ શકશે.આ કાર્યક્રમ સાથે સંકળાયેલા ફરજ પરના સરકારી તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.