મોરબી એસ્યોર વેબ સાઇટ ઉપર પરપ્રાંતિય શર્મિકનું રજિસ્ટ્રેશન નહિ કરનારા ઈસમો સામે કાર્યવાહી કરાશે મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ચોરી, લૂંટ, ધાડ અને અન્ય શરીર સબંધી ગુન્હાઓમાં બહારના માણસોની સંડોવણી જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એસ્યોર મોરબી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું હોવા છતાં અનેક ઉદ્યોગકારો અને લેબર કોન્ટ્રાકટર દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોય મોરબી તાલુકા પોલીસે ગઈકાલે આવા એક કિસ્સામાં પરપ્રાંતિય લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી તાલુકા પોલીસે ગઈકાલે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એવેન્જર સિરામિક ફેકટરીના લેબર કોન્ટ્રાકટર દેવીપ્રસાદ ઉર્ફે દેવરાજ પુરણલાલ સેન, રહે. હાલ ખોખરા હનુમાન રોડ, એવેંજર સીરામીકની મજુર ઓરડી, મુળ રહે. હર્રાઈ ગામ વોર્ડ નં-૨, તા.તેંદુ ખેડા જી. દમોહ મધ્યપ્રદેશ વાળા દ્વારા પરપ્રાંતિય મજૂરોને પોતાના કોન્ટ્રાકટ હેઠળ કામે રાખી એસ્યોર મોરબી વેબ સાઇટ ઉપર શ્રમિકોની વિગતો જાહેર ન કરી હોય જાહેરનામા ભંગ બદલ અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ દ્વારા કારખાનેદારો, કોન્ટ્રાકટર તેમજ પર પ્રાંતીય શ્રમિકોને કામે રાખનાર ખેડૂતો અને હોટલ માલિકો સહિત તમામને એસ્યોર મોરબી ઉપર પરપ્રાંતિય શ્રમિકોની નોંધ કરાવવા તાકીદ પણ કરી છે.