માતાજીની ચુંદડી, હાર, ગરબા, ધૂપ, પૂજાપો સહિતની સામગ્રીઓના વેચાણ માટે ઠેર-ઠેર પંડાલ નખાયા મોરબી : મોરબીમાં માં શક્તિની સાધના અને આરધાના કરવાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે પણ નવરાત્રીના મોટા આયોજનો રદ અને શેરી ગરબાને છુંટ હોવા છતાં નવે નવ દિવસ સુધી રઢિયાળીએ રાત્રી ઢોલ-મંજીરાને સંગ માતાજી આરાધના કરવામાં લોકોમાં અનેરો ઉમંગ છે.આથી નવરાત્રી મહોત્સવની તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યારે માતાજીની ચુંદડી, હાર, ગરબા, ધૂપ, પૂજાપો સહિતની સામગ્રીઓના વેચાણ માટે ઠેરઠેર પંડાલ નખાયા છે. આગામી 7 ઓક્ટોબરને ગુરુવારે નવરાત્રી મહોત્સવ શરૂ થાય છે. નવરાત્રી મહોત્સવને હવે બે દિવસ જ બાકી હોવાથી દરેક લોકોમાં જગત જનની માં જગદંબાની ભક્તિ કરવાનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ પોત પોતાની રીતે નવરાત્રીની ઉજવણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે. ખાસ કરીને હાલ બજારોમાં માતાજીની ચુંદડી, હાર, ગરબા, ધૂપ, પૂજાપો સહિતની સામગ્રીઓના વેચાણ માટે ઠેરઠેર રેકડીઓ તેમજ પંડાલ નખાયા છે. કોરોનાની આ વખતે ખૂબ હળવી પરિસ્થિતિ છે.પણ સરકારે સાવચેતીને ધ્યાને લઈને માત્ર શેરી ગરબાને મંજૂરી આપી છે.આથી આ વખતે નવરાત્રીના કોઈ મોટા આયોજનો નહિ થાય. દરેક વિસ્તારમાં શેરી ગરબીઓ જે વર્ષોથી પ્રાચીન ઢબથી રાસ ગરબા યોજાઈ છે તેવી જ પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામશે.તેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રાચીન ગરબીઓ મંડપ નાખીને સજ્જ બની છે. તેમજ ગરબા પણ હવે વેચાણ માટે બજારમાં આવી ગયા છે. તેથી નવરાત્રીને લગતી વસ્તુઓની ખરીદી પણ સારી એવી થઈ રહી છે. જો કે અમુક જગ્યાએ ગામડાઓમાં વર્ષોની પરંપરા મુજબ પ્રાચીન ગરબીઓ રાસ ગરબાની રંગત બાદ ગૌશાળાના દાન માટે ઐતિહાસિક નાટકો ભજવાશે.