ત્રણ વર્ષમાં મોરબી, ટંકારા અને વાંકાનેરમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ વધ્યા : જિલ્લામાં ત્રણ વર્ષમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની 2-2 શાળાઓ ઘટીમોરબી : આજે સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસની ઉજવણી થઇ રહી છે, જો કે, ગુજરાતમાં માતૃભાષા દિવસની ઉજવણી માત્ર એક જ દિવસ પૂરતી રહી જતી હોય તેવી સ્થિતિ વચ્ચે હવે શહેરો તો ઠીક ગ્રામીણ વિસ્તારોમાં પણ અમીરથી લઈ ગરીબ પરિવારો પોતાના બાળકોને ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં જ શિક્ષણ આપવા ઈચ્છી રહ્યા હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે જેની સામે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. જે માતૃભાષામાં જ શિક્ષણના સૂત્ર માટે નુકશાન દેહ સાબિત થઇ રહી હોવાનું માતૃભાષા પ્રેમીઓ જણાવી રહ્યા છે.વિશ્વ માતૃભાષા દિવસના અવસરે મોરબી જિલ્લામાં ધો. 1 થી 12માં અભ્યાસ કરતા બાળકોની સ્થિતિ જોવા આવે તો વર્ષ 2022માં મોરબી જિલ્લાના મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર અને માળીયા મિયાણા સહિતના પાંચ તાલુકાઓમાં ગુજરાતી માધ્યમમાં 1,86,193 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જેની સામે વર્ષ 2025ના આંકડા જોવામાં આવે તો વર્ષ 2025માં પાંચેય તાલુકાઓમાં કુલ મળી 1,77,491 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં મોરબી જિલ્લામાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યામાં 8706નો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ મોરબી જિલ્લામાં પાંચેય તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની 2022ની સંખ્યા જોવામાં આવે તો 14,123 અભ્યાસ કરતા હતા જેની સામે વર્ષ 2025માં આ સંખ્યામાં 1380 વિદ્યાર્થીઓનો વધારો થતા હાલમાં સમગ્ર જિલ્લામાં 15,503 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, પાછલા ત્રણ વર્ષમાં જિલ્લામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની 2-2 સ્કૂલ બંધ થઇ હોવાનું પણ સામે આવ્યું છે.માળીયા-મિયાણામાં અંગ્રેજી માધ્યમની શાળા જ નહીંમોરબી જિલ્લામાં પછાત તાલુકા તરીકે જેની ગણના થાય છે તેવા માળીયા મિયાણા તાલુકામાં હજુ સુધી એક પણ અંગ્રેજી માધ્યમની શાળા ન હોવાની સાથે માળીયા મિયાણા તાલુકામાં એક પણ વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ ન કરતો હોવાના આંકડા પણ સામે આવ્યા છે.માતૃભાષાને બચાવવા અંગ્રેજીને માસી બનાવીએ એજ ઉપાયઆજના સમયમાં ગુજરાતીને બદલે અંગ્રેજી ભાષામાં શિક્ષણ પ્રત્યે લગાવ વધ્યો છે ત્યારે મોરબીના જાણીતા તબીબ અને સાહિત્યપ્રેમી સતીશ પટેલે જણાવ્યું હતું કે, દરેક લોકોને અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતા રોકી શકાય તેમ નથી. આજના સમયમાં વૈશ્વિક વેપાર અને વૈશ્વિક શિક્ષણનો વ્યાપ વધ્યો છે ત્યારે ગુજરાતીને પ્રાથમિકતા આપીને અંગ્રેજીને માસી તરીકે એટલે કે, જરૂરતની ભાષા તરીકે સ્વીકારવામાં આવશે તો જ આપણી માતૃભાષા ટકી શકશે. ખાસ કરીને આજના સમયમાં જન્મદિવસે કેક કાપીને ઉજવણી કરવી કે અન્ય એવા પ્રસંગોની ઉજવણી કરવી કે જે હકીકતમાં આપણી સંસ્કૃતિ નથી છતાં અંગ્રેજી પાછળ દોડીને આપણે આવી ઉજવણી તરફ પ્રેરાયા છીએ તે ચિંતાનો વિષય છે.