કુરિયરમાં મોકલેલ પાર્સલ ન મળતા ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધવો ભારે પડ્યો : માત્ર ૫ રૂપિયાની ઓનલાઈન ફી ભરવાના બહાને એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની ઉચાપતમોરબી અપડેટ : ટંકારા તાલુકાના લજાઈ ગામમાં રહેતા અને ખાનગી કંપનીના એન્જીનીયર ઓનલાઈન સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. કુરિયર મારફતે મંગાવેલું પાર્સલ સમયસર ન મળતા તેઓએ ઇન્ટરનેટ પરથી કસ્ટમર કેર નંબર શોધી સંપર્ક કર્યો હતો. જેમાં ગઠિયાઓએ પાર્સલની ડિલિવરી માટે નજીવી રકમનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું કહીને લિંક મોકલી હતી. આ લિંક મારફતે માહિતી સબમિટ કરતા જ તેમના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે કુલ ૪.૪૨ લાખથી વધુની રકમ ઉપડી ગઈ હતી. આ મામલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ કર્યા બાદ હવે સ્થાનિક પોલીસ મથકમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારાના લજાઈ ગામમાં ઉગમણા ઝાપા પાસે રહેતા ૪૬ વર્ષીય પરસોતમભાઈ વશરામભાઈ મકવાણા કચ્છના ગાંધીધામ ખાતે એક ખાનગી કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૨/૦૫/૨૦૨૬ના રોજ તેમની કંપનીનું યુપીએસ (UPS) ખરાબ થતાં તેને બેંગ્લોરથી ડીટીડીસી (DTDC) કુરિયર મારફતે ગાંધીધામ મોકલવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી કુરિયર ન મળતા પરસોતમભાઈએ ગૂગલ પરથી ડીટીડીસીનો કસ્ટમર કેર નંબર શોધીને કોલ કર્યો હતો. સામેથી વાત કરનાર અજાણ્યા શખ્સે સરનામું અને પિનકોડ ઓનલાઈન સબમિટ કરવા જણાવ્યું હતું અને પિનકોડ ટ્રાન્ઝેક્શન ચાર્જ પેટે માત્ર ૫ રૂપિયા ભરવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે એક લિંક મોકલી હતી, જેને ઓપન કરીને પરસોતમભાઈએ પોતાના એક્સિસ બેંકના ડેબિટ કાર્ડથી ૫૫ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તેમના મોબાઈલમાં બેંકની એપ્લિકેશન અચાનક ચાલુ-બંધ થવા લાગી હતી અને ખુલતી બંધ થઈ ગઈ હતી. નેટવર્ક પ્રોબ્લેમ સમજીને તેમણે શરૂઆતમાં ધ્યાન આપ્યું ન હતું, પરંતુ ૨૫ મેના રોજ કેશોદ ખાતે બેંક બ્રાન્ચમાં જઈને ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમના ખાતામાંથી તા. ૨૩/૦૫/૨૦૨૬ના રોજ અલગ અલગ સમયે આરટીજીએસ (RTGS) મારફતે રૂ. ૪,૦૦,૦૦૦ અને આઈએમપીએસ (IMPS) મારફતે રૂ. ૪૨,૦૦૫.૯૦ મળી કુલ રૂ. ૪,૪૨,૦૦૫.૯૦ ફેડરલ બેંકના કોઈ અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ અંગે ૧૯૩૦ હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ, આજ રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક અને બેંક એકાઉન્ટ ધારક સામે બીએનએસ (BNS) ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) અને આઈટી એક્ટની કલમ ૬૬(ડી) મુજબ છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.