ઉર્જામંત્રીએ કલેક્ટર કચેરી ખાતે પીજીવીસીએલ તથા જેટકોના પ્રશ્નો બાબતે પદાધિકારીઓ અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજીમોરબી : ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પીજીવીસીએલ, જેટકો તથા ગુજરાત ગેસના વિવિધ પ્રશ્નો બાબતે ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો તથા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમ, રોજગાર તથા કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને મોરબી પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં મંત્રીએ વિવિધ પ્રશ્નોએ પીજીવીસીએલ, જેટકો તથા ગુજરાત ગેસના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. તેમણે કોઈપણ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય અને સરકારના નાણાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે પ્રકારની કામગીરી કરવા જણાવ્યું હતું. કોઈ એજન્સી/કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામગીરી ન કરે તો તેની સામે તાત્કાલિક પગલાં ભરવા અને બ્લેકલિસ્ટ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે ડિવિઝન અને સબ ડિવિઝનનું ભૌગોલિક વિસ્તાર મુજબ વિભાજન કરવા માટે યોગ્ય આયોજન હાથ ધરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી.પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ અધિકારીઓને વહીવટી કે ટેકનિકલ કામગીરીમાં કોઈપણ ક્ષતિઓ હોય તો તે તાત્કાલિક નિવારવા તથા લોકો પ્રત્યે હંમેશા સંવેદનશીલ અભિગમ દાખવી કામગીરી કરવા સૂચન કર્યું હતું. મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ જણાવ્યું હતું કે, આ બેઠક દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રશ્નો બાબતે શક્ય તેટલી ઝડપે કામગીરી હાથ ધરી તેનું નિરાકરણ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ તથા વિવિધ ઔદ્યોગિક એસોસિએશન્સ દ્વારા પીજીવીસીએલ, જેટકો તેમજ ગુજરાત ગેસ સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.આર.ઘાડીઆ, જેટકો તથા ગુજરાત ગેસના અધિકારીઓ કર્મચારીઓ, વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો અને ઉદ્યોગકારો તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.