વવાણીયા નજીક આવેલ ધાર્મિક સ્થળને લાગુ જમીન નિયમ મુજબ ફાળવવા ભાજપ કાર્યકર્તાએ આગ્રહ કર્યો અને ભલામણ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો, તાકીદે પત્ર પાછો ખેંચી ભલામણ પરત લીધી મોરબી : વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ એક બીજાને ભરી પીવા હરીફ રાજકીય પક્ષની સાથે જ પોતાના જ પક્ષના હિતશત્રુઓ પણ સક્રિય બન્યા હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબીમાં રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ નિર્દોષ ભાવે ભાજપના જ સંગઠન મહામંત્રીના આગ્રહ મુજબ ધાર્મિક સ્થળને લાગુ ખરાબાની જમીન ફાળવવા જિલ્લા કલેકટરને ભલામણ કરતા આ ભલામણપત્ર સોશિયલ મીડીયામાં વાયરલ થતા રાજયમંત્રી સ્તબ્ધ બન્યા છે. સાથે જ તેઓએ તાત્કાલિક અસરથી આ ભલામણ પત્રને પરત ખેંચી પોતાની સ્પષ્ટતા પણ કરી છે. આ સમગ્ર મામલે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વવાણિયા ગામે દરગાહ માટે જમીન આપવા બાબતે આ ગામના વતની અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભાભાઈ જાડેજાએ મારી પાસે રજૂઆત કરેલી અને તે રજૂઆત મે જિલ્લા કલેક્ટર મોરબીને માત્ર મોકલેલ છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને ક્યારેય રૂબરૂ, ફોનથી કે બેઠક રાખીને સૂચના આપી નથી તેમ ભાર પૂર્વક જણાવ્યું છે. વધુમાં રાજયમંત્રી મેરજાએ ઉમેર્યું છે કે અગાઉ લખેલો પત્ર પણ તેમને પાછો ખેચી લીધો છે અને જિલ્લા કલેક્ટરને સ્પષ્ટ જણાવ્યુ છે કે આ બાબતની અગાઉની મારી લેખિત રજૂઆત રદ કરવી, સ્વભાવિક પણે જાહેર જીવનમાં ધારાસભ્ય હોય કે મંત્રી હોય કોઈપણ રજૂઆત આવતી હોય તો સંબંધીતોને તબદીલ કરાતી હોય છે. આ કિસ્સામાં પણ તેમને મળેલ રજૂઆત માત્ર તબદીલ કરેલ છે તેમાં કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. એટલે ગેરસમજણ ન થાય તે માટે આ સ્પષ્ટતા કરવી તેઓએ અનિવાર્ય ગણી છે અને કોઇની લાગણી દુભાવવાનો તેઓનો લેસ માત્ર ઇરાદો ન હોવાનું અને વિશેષ ગેરસમજણ ન ફેલાય તે માટે આટલી ચોખવટ કરવી અનિવાર્ય હોવાનું તેમને જાહેર કર્યું છે. નોંધનીય છે કે, સહજ ભાવે એક કાર્યકર્તાના આગ્રહને કારણે રાજ્યમંત્રીએ જિલ્લા કલેકટરને કરેલ ભલામણ નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજયમંત્રીએ તાકીદે આ ભલામણ પરત ખેંચી આ સ્પષ્ટતા કરી હતી.