બોડી બિલ્ડર ભાવિનકુમાર પટેલે મોરબી ગુજરાતનું નામ રોશન કર્યું મોરબી : ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ બેસ્ટ ફિઝિક ચેમ્પિયનશિપ 2020-21માં ભાગ લઈ મોરબી જિલ્લા પંચાયતના બોડી બિલ્ડર કર્મચારી ભાવિનકુમાર પટેલે બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર દેશમાં મોરબી અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. કેન્દ્ર સરકારના કેન્દ્રીય સિવિલ સેવા સાંસ્કૃતિક અને ક્રીડા બોર્ડ તરફથી ચાલુ વર્ષ દરમિયાન દિલ્હી ખાતે નેશનલ લેવલ પર ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ બેસ્ટ ફિઝિક ચેમ્પિયનશિપ 2020-21 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ રાજ્યો તરફથી અલગ અલગ વેઇટ કેટેગરીમાં 150 જેટલા ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેમાં ગુજરાત રાજ્યની સેક્રેટરીયેટ ટીમમાં મોરબી જિલ્લા પંચાયત કચેરીના કર્મચારી ભવિનકુમાર એચ.પટેલે બીલો 55 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નેશનલ લેવલે ત્રીજો ક્રમાંક અને બ્રોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું તેમજ મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. દર વર્ષે યોજાતી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ બેસ્ટ ફિઝિક ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં આ પ્રથમ વખત જ મેડલ મળેલ છે. ભાવિનકુમાર એચ પટેલને બ્રોન્ઝ મેડલ મળતા તેમને કર્મચારીઓ અને અધિકારીવર્ગ તરફથી શુભકામનાઓ મળી રહી છે.