ઉધડમાં ખેતર વાવવા રાખનાર આરોપીએ થાંભલો ઉભો કરવાની કાર્યવાહીમાં અડચણ ઉભી કરતા ગુનો નોંધાયોહળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં પસાર થતી વિજલાઈનનો થાંભલો તોડી નાખી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી બાદમાં વીજ પોલ ઉભો કરવા ગયેલા વીજ કર્મી સાથે ફરજમાં રુકાવટ કરતા ઉધડમાં વાડી વાવવા રાખનાર આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં આરોપી હસમુખ મૂળજીભાઈ જાદવ રહે.ચંદ્રગઢ નામના શખ્સે પોતાના ઉધડ રાખેલા ખેતરમાં આવેલો સરકારી વીજપોલ ઇરાદાપૂર્વક પાડી નાખી સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. દરમિયાન ફરિયાદી વીજ કર્મી હિરેનગીરી હરેશગીરી ગૌસ્વામી ઉ.41 રહે.હળવદ વાળા આ વીજપોલ ફરીથી ઉભો કરવા માટે ગયા, ત્યારે આરોપીએ ફરજમાં રુકાવટ કરી અટકાવ્યા હતા તેમજ ટાંટિયા ભાંગી નાખવાની અને ગોયતા નહીં જડો તેમ કહી ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં સરકારી કામમાં રુકાવટ તેમજ વીજ પોલને રૂ. 83,913નું નુકસાન કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.