35 વીજ ટિમોએ રહેણાંક-વાણિજ્ય સહિતના 3006 કનેક્શન ચેક કરતા 356 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવી મોરબી : ઔદ્યોગિકકરણની સાથે વીજચોરીમાં પણ મોરબી જિલ્લો અવ્વલ હોય તેમ 35 જેટલી વીજ ચેકિંગ ટુકડીઓ મોરબી જિલ્લામાં ત્રાટકી રહેણાંક-વાણિજ્ય સહિતના 3006 કનેક્શન ચેક કરતા 356 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવી હતી આથી પાંચ દિવસમાં રૂ.87.70 લાખની વીજચોરી ઝડપાઇ હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજ વપરાશ ધરાવતા અને ઔદ્યોગિક રીતે સમૃદ્ધ રહેલા મોરબી જિલ્લામાં બેફામ પાવર ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદના આધારે પાવર ચોરીને કડક હાથે ડામી દેવા માટે 18 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના પીજીવીસીએલ વિભાગના અલગ અલગ ઝોન જેમાં જામનગર, ભુજ-અંજાર અને મોરબી મળીને કુલ 35 જેટલી વીજ ટિમો મોરબી જિલ્લામાં ત્રાટકી હતી. આ વીજ ચેકિંગ ટીમોએ ગત 18 એપ્રિલથી 22 એપ્રિલ એમ પાંચ દિવસ સુધી હળવદ, ચરડવા, વાંકાનેર, માળીયા અને ટંકારા વિસ્તારમાં રહેણાંક-વાણિજ્ય સહિતના 3006 કનેક્શનોમાં સઘન ચેકિંગ કર્યું હતું. જેમાંથી 356 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવી હતી. આથી અંદાજીત રૂ.87.70 લાખની વીજ ચોરી પકડાઈ હતી. તેમ મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જણાવાયું છે.