લો વોલ્ટેજની રોજિંદી સમસ્યાથી વીજ ઉપકરણોને નુકશાન : 132 કેવી સબ સ્ટેશન કાર્યરત હોવા છતાં પૂરતી વીજળી આપવામાં પીજીવીસીએલ નાકામ, ટંકારા : ટંકારા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠા 24 કલાકની જરૂરિયાત વચ્ચે પણ પીજીવીસીએલના વીજ ધાંધિયાથી લોકો ગરમીમાં અકળાઈ ઉઠ્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ટંકારામાં 132 કેવી સબ સ્ટેશન કાર્યરત હોવા છતાં પૂરતી વીજળી આપવામાં પીજીવીસીએલ નાકામ પુરવાર થયું છે. તેમાંય લો વોલ્ટેજની રોજિંદી સમસ્યાથી વીજ ઉપકરણોને નુકશાન થઈ રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે. ટંકારા પંથકમાં વીજ ધાંધિયાએ ભારે કરી છે. ટંકારા ટાઉનમાં સતત લાઈટ ડાઉનની સમસ્યા સર્જાય છે. મોટા ભાગના ગ્રાહકોએ સમસ્યા સાથે એડજસ્ટ કરી લીધું હોય તેવી સ્થિતિ જોવા મળે છે. વીજ તંત્ર તો ઠિક પણ કહેવાતા સંગઠનો અને પ્રજા સેવકો પણ આ બાબતે ચૂપકીદી સેવી રહ્યા છે. પીજીવીસીએલ તંત્ર ગ્રાહકોને સારી ગુણવત્તાનો વીજપુરવઠો પુરો પાડી શકતું ન હોવાથી ગ્રામજનોને વ્યાપક નુકસાન ભોગવવાની ફરજ પડી રહી છે. વોલ્ટેજના વધઘટની કાયમી સમસ્યાના લીધે ગ્રાહકોના કિંમતી વીજ ઉપકરણોને નુકસાન થતું હોવાથી અનેકવાર આ અંગે રજૂઆતો કરાઇ હોવા છતાં તંત્ર આ બાબતને ગંભીરતાથી લેતું ન હોવાથી ચોમેરથી રાવ ઉઠી છે. ટંકારા તાલુકા મથકનુ શહેર હોય એટલે સમસ્યાના નામે શુન્ય હોય એવુ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિચારતા હોય છે, પરંતુ ટંકારા શહેર સાવ અલગ પડે છે. અહી 132 કેવી સબસ્ટેશન કાર્યરત હોવા છતાં ગ્રામજનોને યોગ્ય, નિયમ મુજબનો વીજ પુરવઠો પીજીવીસીએલ તંત્ર પુરો પાડી શકતું નથી. જેને કારણે ગામમાં ઘણા વિસ્તારોમાં ઘેર ઘેર ઉનાળાની અસહ્ય ગ૨મી વચ્ચે લો વોલ્ટેજની રોજીંદી સમસ્યા સર્જાઈ રહી છે.ગામમાં સર્જાતા લોવોલ્ટેજના કારણે ગ્રામજનોના ટીવી, ફ્રીઝ, એ.સી.,પાણીની મોટરો,પંખા જેવા ઈલેક્ટ્રીક મોટર જેવા ઉપકરણોને વ્યાપક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.તો બીજી તરફ ગામના જુદાજુદા વિસ્તારોમાં સર્જાતી લો વોલ્ટેજની સમસ્યાને લઈને જીવાપરા શેરી મોમીન વાસના 50 જેટલા પરીવારે તંત્રને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કરવા જણાવ્યું છે સાથે સાથે અપાશરા શેરી લો વાસ લક્ષ્મીનારાયણ મંદિર વાળી શેરી ત્રણ હાટડી મકનાની શેરીના રહિશોએ તો લો વોલટેજ સાથે એડજસ્ટ થઈ સમસ્યા કાયમી સ્વિકારી લીધી છે. વાત આટલેથી અટકતી નથી પણ પોતાને પ્રજાના સેવક ગણાવતા નેતાઓ અને ગ્રાહકોના હમદર્દ હોવાની દુહાઈ લગાવી ફરતા પણ આ બાબતે એક હરફ પણ ઉચ્ચારતા નથી. તેથી ટંકારાની પ્રજાને આ પીડામાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું.