મોરબી જિલ્લામાંથી PGVCLને 32% રેવન્યુ મળવા છતાં સુવિધાના નામે મીંડુ: અધિકારીઓ યોગ્ય ધ્યાન આપે તેવી માંગમોરબી: મોરબી જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે જાણીતો છે. PGVCLની કુલ આવકમાંથી એકલું મોરબી 32% જેટલો અધધધ હિસ્સો આપે છે. આટલી મોટી આવક રળી આપતા જિલ્લાના ઉદ્યોગકારોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજળી આપવાના બદલે વીજ તંત્ર દ્વારા માત્ર લાપરવાહી પીરસવામાં આવી રહી છે. હજી તો સારો વરસાદ પડ્યો નથી, ત્યાં જ જેતપર રોડ ઉપરની ઘટનાથી વીજ તંત્રની પોલ ખુલી ગઈ છે. મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં ફીડર અને નવી લાઈનોના ઇન્સ્ટોલેશનની કામગીરીમાં ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉદ્યોગકારો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા તદ્દન લોલમલોલ કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદના દિવસોમાં નાના બાળકો ગૂંચ-ગૂંચામણીની રમત રમતા હોય તે પ્રકારે વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. કપડાં સૂકવવાના તાર કરતાં પણ વધુ ઢીલા વાયરો બાંધીને કોન્ટ્રાક્ટરો લાખો રૂપિયાનું આંધણ કરી રહ્યા છે. નબળી ગુણવત્તાના કારણે સામાન્ય પવન ફૂંકાતાની સાથે જ લાઈનોમાં ફોલ્ટ સર્જાય છે, જેના લીધે ફેક્ટરીઓમાં કલાકો સુધી પાવર ગુલ થઈ જાય છે અને ઉદ્યોગોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.વીજ તંત્રની આ નબળી અને જોખમી કામગીરીનો જીવતો જાગતો પુરાવો મોરબીના જેતપર રોડ પરથી સામે આવ્યો છે. જેતપર રોડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સામાન્ય પવન ફૂંકાવા છતાં પણ મસમોટા વીજપોલ પત્તાના મહેલની જેમ ડોલી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને વાહનચાલકો અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. જો સામાન્ય પવનમાં આ સ્થિતિ હોય, તો વાવાઝોડા કે ભારે વરસાદમાં આ પોલ ધરાશાયી થઈ મોટી હોનારત સર્જી શકે છે.પીજીવીસીએલમાં તોતિંગ પગાર મેળવતા ક્લાસ વન અધિકારીઓ અને ઇજનેરોની આખી ફોજ કાર્યરત છે. તંત્ર પાસે પૂરતું બજેટ અને સંસાધનો હોવા છતાં આવી લાલિયાવાડી કેમ ચલાવી લેવામાં આવે છે? તેવો વેધક સવાલ ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે. એક તરફ દેશને 'સ્કિલ ઇન્ડિયા' બનાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ આવી થર્ડ ક્લાસ કામગીરી કરીને કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ દેશના વિકાસને બ્રેક લગાવી રહ્યા છે. ઉદ્યોગકારો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.#Morbi #PGVCL #MorbiIndustry #PowerCrisis #JetparRoad #MorbiUpdate #Corruption #GujaratElectricity #IndustrialLoss #SkillIndia