અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર નિષ્ક્રિય: સોસાયટીના 23 AC, 3 ફ્રીજ, 2 ટીવી સહિતનો સામાન બળી જતા રહીશોમાં ભારે રોષ, વળતરની માંગ સાથે પીજીવીસીએલમાં લેખિત રજૂઆતમોરબી : મોરબીમાં પીજીવીસીએલ (PGVCL) ની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીની અંજની પાર્ક સોસાયટીમાં અવારનવાર ઇલેક્ટ્રિક વોલ્ટેજમાં થતી વધઘટની સમસ્યા બાબતે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં ન લેવાતા, અચાનક હાઈ વોલ્ટેજ (પાવર સર્જ) આવતા સોસાયટીના રહીશોના લાખો રૂપિયાના કિંમતી ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે.સોસાયટીના રહીશ રાજભાઈ પટેલે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, અંજની પાર્ક સોસાયટીમાં લાંબા સમયથી ઇલેક્ટ્રિક વોલ્ટેજની સમસ્યા સતાવી રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં અગાઉ ઘણી વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ કોઈ જ ધ્યાન ન આપતા મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગત 13 જુલાઈના રોજ સાંજના સમયે અચાનક વોલ્ટેજમાં ભારે વધઘટ (પાવર સર્જ) થતાં સોસાયટીના અનેક ઘરોમાં શોર્ટ સર્કિટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.વોલ્ટેજ અચાનક વધી જવાને કારણે સોસાયટીના રહીશોના કુલ 23 AC, 3 ફ્રીજ, 1 વોશિંગ મશીન, 2 ટીવી અને 49 જેટલી LED લાઈટો એકસાથે બળી ગઈ છે. એક જ સમયે અનેક ઘરોમાં સમાન સમસ્યા સર્જાતા સ્પષ્ટ થયું છે કે આ નુકસાન વ્યક્તિગત વાયરિંગની ખામીથી નહીં, પરંતુ પીજીવીસીએલના પાવર સપ્લાયની ખામીના કારણે થયું છે. આ ઘટનાને કારણે સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. આ અંગે કગથરા સાહેબને રજૂઆત કરતાં તેમણે થઈ જશે તેમ કહ્યું હતું, પરંતુ સમસ્યાનું નિરાકરણ થયું નથી તેમ લોકોનું કહેવું છે.આ ગંભીર બેદરકારી બાદ રોષે ભરાયેલા અંજની પાર્ક સોસાયટીના રહીશોએ એકઠા થઈને પીજીવીસીએલ મોરબી ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સંયુક્ત રીતે લેખિતમાં રજૂઆત કરી છે. આ આવેદનપત્રમાં તેઓએ માંગ કરી છે કે આ વિસ્તારમાં થયેલા પાવર સર્જની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે, પ્રભાવિત ટ્રાન્સફોર્મર અને સપ્લાય નેટવર્કનું ચેકિંગ થાય અને તમામ પ્રભાવિત ગ્રાહકોને તેમના બળી ગયેલા ઉપકરણોના રિપેરિંગ અથવા રિપ્લેસમેન્ટ માટે યોગ્ય વળતર ચૂકવવામાં આવે.#Morbi #MorbiUpdate #PGVCL #AnjaniParkSociety #PowerSurge #VoltageFluctuation #MorbiNews #GujaratNews