સાંજ સુધીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષોએ જાહેર પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધુંમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આજે શુક્રવારે સાંજે 5:00 વાગ્યાથી જાહેર પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના પક્ષમાં માહોલ બનાવવા એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. સાંજે 5 વાગ્યા બાદ તમામ રાજકીય સભાઓ, રેલીઓ અને લાઉડસ્પીકર દ્વારા થતો જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે.ચૂંટણી પંચના નિયમ મુજબ, જે-તે મતવિસ્તારના મતદાર ન હોય તેવા બહારથી આવેલ રાજકીય કાર્યકરોએ સાંજ પડતાની સાથે જ વિસ્તાર છોડી દીધો છે. હવેથી ઉમેદવારો અને તેમના સ્થાનિક કાર્યકરો દ્વારા ડોર-ટુ-ડોર સંપર્ક પર સંપૂર્ણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. શેરીઓ અને મહોલ્લાઓમાં ઉમેદવારો જાતે જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની સાથે જ બૂથ લેવલ પર મતદાર કાપલી વિતરણનો ધમધમાટ પણ પૂરજોશમાં શરૂ થઈ રહ્યો છે. શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આગામી 26 એપ્રિલ, 2026 ના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રવિવારે યોજાનાર મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કોઈ અણછાજતી ઘટના ન બને તે માટે સંવેદનશીલ બૂથો પર પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. 28 એપ્રિલ, 2026 (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #LocalElections2026 #MorbiDistrictPanchayat #GujaratElections #VotingDay #DoorToDoorCampaign #MorbiNews #Democracy