ઉમેદવારોનો ફોર્મ ઉપાડવામાં ભારે ધસારો, 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે: 26 એપ્રિલે થશે મતદાનમોરબી: મોરબી જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. 6 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ સતત બીજા દિવસે પણ મોરબી જિલ્લામાં એકપણ ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.મોરબી જિલ્લાની કુલ 250 બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની છે. જેમાં મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો, વાંકાનેર, ટંકારા અને માળિયા નગરપાલિકાની 76 બેઠકો, 98 તાલુકા પંચાયતની બેઠકો અને 24 જિલ્લા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા મળેલી વિગતો મુજબ, આજે 7 એપ્રિલના રોજ પણ ફોર્મ ઉપાડવા માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અપક્ષ ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં એકપણ ફોર્મ ભરાઈને જમા થયું નથી.ચૂંટણીના કાર્યક્રમ મુજબ, ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે. ત્યારબાદ 13 એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 15 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. 26 એપ્રિલના રોજ રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે. હાલમાં મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ છે અને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.#MorbiUpdate #LocalElections #GujaratElections #PanchayatElections #ElectionSchedule #MorbiNews #GujaratPolitics #VotingDay #Election2026