વિદ્યાર્થીઓને લોકશાહીનું મહત્વ સમજાવવામાં આવ્યું મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જ લોકશાહીનું મહત્વ સમજાય અને ભવિષ્યના મતદાતા તરીકે પોતાની શું ફરજ છે ? તેની જાણકારી મળે તે હેતુથી આજ રોજ મોનિટર અને GSની ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં ધોરણ: 7, 8 અને 9નું કુલ મતદાન 100 % થયું હતું અને સમગ્ર શાળામાં કુલ 93.57 % મતદાન થયું હતું. આજના કાર્યક્રમનું તમામ સંચાલન અને આયોજન શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત શાળાના ધોરણ: 11 અને 12ના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં મોનિટર અને GS એમ બંનેમાં પોતાનો કિંમતી અને બહુમૂલ્ય મત યોગ્ય ઉમેદવારને આપ્યો હતો. આ સમગ્ર ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી કરાયું હતું. જેમાં GSની ચૂંટણીમાં પ્રાથમિકતા મુજબ મતદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા, મોરબી નગર પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શાળા પ્રમુખ હિતેષભાઈ મહેતા, કમલેશભાઈ મહેતા, પત્રકાર મિત્રો અને બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને લોકશાહીમાં એક મતની શું કિંમત છે તેની માહિતી આપી વિદ્યાર્થીઓને આવા કાર્યક્રમ કરતા રહેવા માટે શુભકામના પાઠવી હતી. વિવેકભાઈ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો, વાલીઓ અને તમામ શિક્ષકગણોનો આભાર વ્યક્ત કર્યો હતો.