હોદ્દેદારોની નિમણૂક અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિસુચના બહાર પડાઈ મોરબી : મોરબી જિલ્લાની મોરબી, માળીયા મીયાણા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિસુચના બહાર પાડવામાં આવી છે. અને તા.૧૭ના રોજ તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવવા નકકી કરેલ છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા તમામ સભ્યોને નોટિસ પાઠવી આગામી તા.17ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજવા બેઠક બોલાવવા જણાવાયું છે. આ અંગેની નોટીસ તમામ તાલુકા પંચાયતના સભ્યોને મોકલી અપાયેલ છે. સભ્યોને પ્રમુખ, ઉપપ્રમુખની ઉમેદવારી માટે નિયત નમુનાના ફોર્મ જે તે તાલુકા પંચાયત પાસેથી મેળવવાના રહેશે અને બે ફોર્મ ભરીને પ્રથમ બેઠકના અગાઉના દિવસે એટલે કે તા. ૧૬ના રોજ સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધીમાં ભરીને જે તે તાલુકા વિકાસ અધિકારીને પહોંચતા કરવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી કચેરીમાં તા.૧૬ના રોજ બપોરે બે કલાકે કરવામાં આવશે.