રખડતા ઢોરના ત્રાસને કારણે વૃદ્ધનો ભોગ લેવાતા તંત્ર સામે રોષ હળવદ : હળવદ પંથકમાં રખડતા ઢોરના ત્રાસે માજા મૂકી છે અને રખડતા ઢોરના ત્રાસને કારણે વૃદ્ધનો ભોગ લેવાયો છે.જેમાં હળવદના માલણીયાદ ગામે આખલાએ ઢીકે ચડાવતા ઘાયલ થયેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.આ બનાવથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોવિંદભાઇ મોતીભાઇ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃદ્ધને ગઇ તા.૧૪ માર્ચના રોજ નવા માલણીયાદ ગામે આખલાએ હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થતા તેઓને પ્રથમ સારવાર હળવદ હોસ્પીટલમાં બાદ વધુ સારવારમાં સુરેન્દ્રનગર ટી.બી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમ્યાન તા.૨૫ માર્ચના રોજ મોત નીપજ્યું હતું. હળવદ પંથકમાં રખડતા ઢોરના ત્રાસનો છેલ્લા ઘણા સમયથી ગંભીર પ્રશ્ન છે પણ તંત્રએ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી ન કરતા રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને એક વૃદ્ધનો ભોગ લેવાતા સંબધિત તંત્ર આ બાબતે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.