'વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે' નિમિત્તે સમાજના મુખ્ય પ્રવાહથી વિમુખ લોકો પાસે માતાજીની આરતી કરાઈ : માતા પિતાનું વિશિષ્ટ સન્માન કરાયું મોરબી : ગર્ભાવસ્થા દરમ્યાન, જન્મ સમયે કે જન્મ પછી ઉદભવેલી કોઈ મુશ્કેલીને કારણે મગજ અને જ્ઞાનતંતુઓને થયેલા નુકશાનને કારણે બાળકના બૌદ્ધિક વિકાસમાં અવરોધ આવે છે. જો કે શહેરોમાં આવેલી જાગૃકતાને કારણે તેમજ સરકારના પ્રયાસોથી તેમજ સતત થતા રહેતા સંશોધનોને કારણે હવે આવા બાળકોની દેખભાળ વિશિષ્ટ રીતે થઈ રહી છે. દર વર્ષે 6 ઓક્ટોબરના દિવસે વિશ્વમાં વર્લ્ડ સેરેબ્રલ પાલસી ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઈ કાલે રવિવારના રોજ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને શાંતિ ફીજીયોથેરાપી દ્વારા સંકલ્પ નવરાત્રિ મહોત્સવમાં વર્લ્ડ સેરેબ્રલ પાલસી ડેની અનોખી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ નિમિત્તે આવા મનોદિવ્યાંગ લોકોને નવરાત્રી મહોત્સવમાં ખાસ આમંત્રિત કરાયા હતા. જ્યાં તેઓને વિશિષ્ટ સન્માન કરાયું હતું અને મનોદિવ્યાંગો તેમજ એમના પરિજનોના હાથે આઠમની આરતી કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રિ મહોત્સવમાં રવિવારે અનોખા અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહા અષ્ટમીના દિવસે ઠેર ઠેર હોમ-યજ્ઞના આયોજનો થયા હતા. ત્યારે આઠમા નોરતાની રાત્રે સંકલ્પ મહોત્સવમાં, સમાજમાં ભળી ન શકતા એવા મનોદિવ્યાંગ લોકો અને તેના માતાપિતાને આમંત્રીને ઉપસ્થિત ખેલૈયાઓ અને મહેમાનોને આ અંગે જાગૃતિ આવે એવો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો સાથો સાથ મોરબીના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત આવા આયોજનમાં ઉપસ્થિત રહીને મનોદિવ્યાંગો તેમજ તેઓના પરિજનોની આંખોમાં હર્ષનાં આંસુ આવ્યા હતા. આ તકે મનોદિવ્યાંગોએ પરિવાર સાથે સહુથી પહેલા તો આઠમની મહા આરતી ઉતારી હતી ત્યાર બાદ રાસ-ગરબા રમીને ઉલ્લાસ સાથે આત્મીયતાનો અનુભવ પણ કર્યો હતો. શાંતિ ફિજિયો થેરાપી ક્લિનિકના ડૉ. ભાવેશ ઠોરિયા દ્વારા આ વિશિષ્ટ આયોજન પાર પાડવામાં આવ્યું હતું. મોરબી સ્થિત સરકારી બી.આર.સી. ભવન સરકારી તાલીમ સંસ્થા તેમજ માં મંગલ મૂર્તિ ટ્રસ્ટ (જી.આઈ.ડી.સી. નજીક)માં તાલીમ અને સારવાર મેળવી રહેલા આશરે 50 બાળકોના પરિજનોનું આ તકે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. મનો દિવ્યાંગ અને દિવ્યાંગ બાળકોને યોગ્ય રીતે સાંચવવા એ દરેક માતા-પિતા માટે એક મહા પડકાર હોય છે. પરિવારમાં જો એક બાળક આ પ્રકારની મુશ્કેલી ધરાવતું હોય તો એ પરિવારની સામાજિક જવાબદારીઓ કરતા આવા બાળકની જવાબદારીને વધારે પ્રાધાન્ય આપવું પડે છે. આમ સામાજિક જવાબદારીના ભોગે પણ આવા બાળકોનું જીવની જેમ આખી જિંદગી જતન કરતા માં-બાપને આપીએ એટલું સન્માન ઓછું છે. આ ઉપરાંત, વિકાસ વિદ્યાલય સંસ્થાના સ્થાપક-સંચાલક ભરતભાઈ નિમાવત આ તકે એમની સંસ્થાની 150 જેટલી અનાથ બાળાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ બળાઓએ પણ રાસ-ગરબાનો લ્હાવો માણ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર વ્યવસ્થા દેવેનભાઈ રબારી સહિતની ટીમે પૂરું પાડ્યું હતું. જ્યારે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરિયા, ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, મોરબી કલોક એસો. પ્રમુખ શશાંક દંગી, કિશોરભાઈ ચંડીભમર, ગૃરુકૃપા હોટલ વાળા ભગાબાપા સહિતના આગેવાનો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી જિલ્લામાં સહુ પ્રથમ વખત નવરાત્રિના વિશાળ એવા રાસોસ્તવમાં આ પ્રકારે કરાયેલા મનોદિવ્યાંગો માટેના સુંદર આયોજનને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274