શહેરમાં 25 હજારથી વધુ મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરીને એક બીજાના ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવશે મોરબી : મોરબીમાં રમઝાન માસ પૂર્ણ થતાં આવતીકાલે બુધવારે ઇદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઇદની શાનદાર ઉજવણી થવાની છે. જેમાં મુસ્લિમ બિરાદરોની બહોળી ઉપસ્થિતિમાં ભવ્ય ઝુલુસ પણ નીકળવાનું છે. શહેરમાં 25 હજારથી વધુ મુસ્લિમો નમાઝ પડીને ખુદાની બંદગી કરશે સાથોસાથ એક બીજાને ગળે મળીને ઇદની મુબારકબાદી પણ પાઠવશે. પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં મોરબીમા આવતીકાલે બુધવારે ઇદ-ઉદ-ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. જુદી જુદી મસ્જીદોમાં મુસ્લિમ બિરાદરો ખાસ નમાઝ અદા કર્યા બાદ એક બીજાને ઇદની મુબારક બાદી પાઠવશે. ઇદ પૂર્વે શહેરની વિવિધ મસ્જિદોમાં રોશની કરવામાં આવી હતી.જ્યારે ઇદ પૂર્વે બજારોમાં મુસ્લિમ બિરાદરોની ખરીદી માટે ઠેર ઠેર ભીડ જામી હતી. અને મીઠાઇઓ, કપડાં, ફળફળાદી સહિતની ખરીદી કરી ઇદની ઉજવણીની તૈયારીઓ કરાય હતી.ધર્મગુરુ હજરત મહંમદ પયગંબર સાહેબના આદેશ મુજબ મુસ્લિમ સમાજના લોકો સત્યના માર્ગે ચાલવા તેમજ ભાઇચારો અને એકતા જળવાય તે હેતુથી તહેવારની ઉજવણી કરતા પહેલા રોઝા રાખી ઇસ્લામનું પાલન કરે છે ત્યારબાદ આનંદ અને ઉમંગ સાથે રોઝા પૂર્ણ કરી ચાંદના દર્શન કરી રમઝાન ઇદની ઉજવણી કરે છે. મોરબીની મસ્જિદોમાં કાલે બુધવારે સવારે 9 વાગ્યે ખુદબો અને ત્યારબાદ 10 વાગ્યે નમાઝ પૂર્ણ કરવામાં આવશે. શહેરભરમાં 25 હજારથી વધુ મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરીને એક બીજાના ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવશે. મોરબી શહેરમાં 4.5 વર્ષના બાળકોથી માંડીને વૃદ્ધ સહિતનાઓએ રોઝા રાખ્યા હતા. આ રોઝા પૂર્ણ કરીને તેઓ કાલે રમઝાન ઇદની ઉજવણી કરવાના છે. ઉપરાંત કાલે રમઝાન ઇદ નિમિતે જામા અને સીદીકી મસ્જિદમાંથી ભવ્ય ઝુલુસ પણ નીકળવાનું છે. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડવાના છે.