નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિશાલા હોટલ પાસેથી પશુઓને કતલખાને જતા બચાવી લેવાયા : ઘેટાને ખાખરેચી પાંજરાપોળ મોકલાયામોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર માળિયા મીંયાણા નજીક સ્થાનિક પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિશાલા હોટલ પાસેથી પસાર થતા શંકાસ્પદ આઈશર ટ્રકને અટકાવીને તલાસી લેવામાં આવતા ટ્રકના ઠાઠામાં ૭૧ જેટલા નાના-મોટા ઘેટાંઓ ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા હોવાનું ખુલતા પશુપ્રત્યે ક્રુરતા આચરવા સબબ ચાર આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા અધિનિયમ અન્વયે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વિશાલા હોટલ પાસેથી પસાર થતા શંકાસ્પદ આઇસર ટ્રક રજીસ્ટર નંબર GJ-09Z-9365ને અટકાવી તલાશી લેતા આઇસરમાં ૭૧ ઘેટાને ક્રુરતા પૂર્વક લઈ જવામાં આવી રહ્યા હોવાનું સામે આવતા રૂ. ૭૧,૦૦૦ ની કિંમતના ૭૧ ઘેટાં અને રૂ. ૭,૦૦,૦૦૦ ની કિંમતનો આઈશર ટ્રક મળીને કુલ રૂ. ૭,૭૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ઘેટાને બચાવી લઈ ઘેટાંઓને આશ્રય માટે ખાખરેચી ગામની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.પશુઓની ગેરકાયદેસર હેરફેર મામલે પોલીસે આરોપી (૧) ફીરોજભાઈ આદમભાઈ ઓડ, રહે. રતનપુર, ખેડા (૨) આરીફભાઈ ફીરોજભાઈ ઓડ, રહે. રતનપુર, ખેડા (૩) મેરાભાઈ હમીરભાઈ ખાંભલા રહે. લોડાઇ, ભુજ અને આરોપી (૪) યુનુસભાઈ આદમભાઈ ઓડ રહે. ખેડા નામના શખ્સોને ઝડપી લઈ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૧૧(૧)(ડી), ૧૧(૧)(ઈ), ૧૧(૧)(એચ) અને જી.પી. એક્ટની કલમ ૧૧૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.