આજથી જ ખાડાઓનું મરામત કામ તેમજ સ્ટ્રીટલાઈટ રિપેરિંગ કામ શરૂ : સ્ટાફ ઓછો પણ તેને મોટીવેટ કરી વધુમાં વધુ કામ નીકળે તેવા પ્રયાસ કરાશે : વેસ્ટ કલેક્શન માટે વધુ 5 ટ્રેક્ટરો આપવા ઉપલી કક્ષાએ રજુઆત મોરબી : મોરબી પાલિકા પાસે ભંડોળ- રિસોર્સિસ ઓછા, છતાં પૂરતી સુવિધા આપવા તમામ પ્રયત્નો કરાશે. તેમ નગરપાલિકાના નવા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યે જણાવ્યું હતું. સાથે તેઓએ આજથી જ મહત્વની બે કામગીરી શરૂ કરાવી દીધી હોવાનું પણ ઉમેર્યું હતું. મોરબી અપડેટ સાથેની વાતચીતમાં પાલિકાના નવા ઇન્ચાર્જ ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું કે મોરબી નગરપાલિકા પાસે સ્વંભંડોળમાં માત્ર રૂ. 7થી 8 લાખ છે. જે અનિવાર્ય ખર્ચ તો કરવાના જ છે. હવે બાકીના ખર્ચ પણ જોઈ વિચારીને કરવાના છે. તેઓએ ઉમેર્યું કે અત્યારે પાલિકાના 7 ટ્રેકટર છે જ્યારે 8 ટ્રેકટર ભાડાના છે. કુલ 15 ટ્રેકટર છે. વધુ 5 ટ્રેકટર ફાળવવા ઉપલી કક્ષાએ રજુઆત કરી છે. જેથી વેસ્ટ કલેક્શનના પ્રશ્નનું નિરાકરણ થઈ શકે. વધુમાં તેઓએ જણાવ્યું કે નગરપાલિકા પાસે રિસોર્સિસ ઓછા છે. તેમ છતાં લોકોને વધુમાં વધુ સુવિધા આપવા માટે પ્રયત્નો કરાશે. સ્ટાફ પણ ઓછો છે. તેઓને મોટીવેટ કરી વધુમાં વધુ કામ નીકળે તે પ્રકારે પ્રયાસ થશે. સુપર ટોકીઝ આસપાસથી આજથી ખાડાઓનું મરામત કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં પહેલા મેઇન રોડને પ્રાધાન્ય આપવામાં આવશે. બાદમાં સોસાયટીના રોડ પણ લઈ લેવાશે. તેઓએ ઉમેર્યું કે લાઈટ રીપેરીંગની કામગીરી પણ આજથી શરૂ કરવામાં આવી છે. જેમાં રોજની 15 લાઈટ રીપેર કરવામાં આવશે. વધુમાં ફરિયાદ નોંધવાની તેમજ તેના નિરાકરણની પદ્ધતિની સમીક્ષા કરાશે. જ્યાં સુધારા જણાશે ત્યાં ફેરફાર કરાશે. પાલિકા શહેરને સ્વચ્છ બનાવવા એક હેલ્પલાઇન વોટ્સએપ નંબર 9879889077 જાહેર કર્યો છે. જેમાં લોકો માત્ર વોટ્સએપના માધ્યમથી જે જગ્યાએ કચરો હોય તે જગ્યાનો ફોટો, લોકેશન અને પોતાનું નામ નાખીને વોટ્સએપ કરશે એટલે 12થી 24 કલાકમાં તે જગ્યાએથી કચરો ઉઠાવી લેવામાં આવશે. અંતમાં તેઓએ જણાવ્યું એ લોકો એક નાગરિક તરીકે જ્યાં ત્યાં કચરો ન કરે. નગરપાલિકાને સહયોગ આપે અને જે ફરિયાદ છે તે પાલિકાને સચોટ અને ટુ ધ પોઈન્ટ કરે.