મહાપાલિકા બન્યા બાદ પ્રજાસત્તાક પર્વની પ્રથમ ઉજવણી : મહાપાલિકા શુ-શુ કામગીરી કરશે તેનો મ્યુનિસિપલ કમિશનરે આપ્યો ચિતારમોરબી : મોરબી મહાપાલિકા બન્યા બાદ પ્રથમ પ્રજાસત્તાક દિવસની આજે ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેઓએ જાહેરાત કરી હતી કે બીજી મહાપાલિકાઓને જે સેવાના સ્તરે પહોંચતા 50 વર્ષ લાગ્યા છે આપણે ત્યાં 10 વર્ષમાં પહોંચીએ તેવા પ્રયત્નો કરીશું. આ ઉપરાંત તેઓએ મહાપાલિકા શુ-શુ કામગીરી કરશે તેનો રોડમેપ પણ રજૂ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે મોરબી શહેર જે મચ્છુ નદીના નામ પરથી ઓળખાય છે તેનો ઇતિહાસ આપણને દેશની સમૃદ્ધિ અને વિકાસની ગાથા કહે છે. મયુરધ્વજ રાજવીના સમયથી લઈને રાજા લખધીરસિંહજીના પ્રજા વત્સલ શાસન સુધી મોરબીએ સૌરાષ્ટ્રનું પેરિસ બન્યું છે રાજા લખધીરસિંહજી સિવિલ એન્જિનિયર હતા. તેમણે યુરોપની પ્રેરણાથી મોરબીમાં પાડાપુલ, મણીમંદિર અને મહેન્દ્ર ડ્રાઇવ જેવા સ્થાપત્યોનું નિર્માણ કર્યું હતું. જે આજે પણ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. આજે ગણતંત્ર દિવસના પ્રસંગે આપણે આપણા ઐતિહાસિક વારસાને સાચવવાની અને સંવિધાનમાં નિહિત મૂલ્યોને પાલન કરવાની પ્રતિજ્ઞા લઈએ. 1979ની હોનારત થતા મોરબીની મહેનતુ અને શક્તિશાળી પ્રજાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. માત્ર નગરનું પુનઃ નિર્માણ જ નહીં પણ એક ઔદ્યોગિક નગરી તરીકે સ્થાપના થઈ. સિરામિક, સેનિટેશન, ઘડિયાળ અને પેપરમીલ જેવા ઉદ્યોગોએ મોરબીને વિશ્વ ફલક ઉપર એક આગવી ઓળખ આપી છે. માથાદીઠ આવકમાં મોરબી શહેર સમગ્ર ભારતમાં અગ્રણી ક્રમાંક ધરાવે છે. ઉદ્યોગોના વિકાસને લીધે શ્રમિકો ગુજરાત બહારથી મોરબી નગરમાં આવીને વસવા લાગ્યા છે. તેમજ ઉદ્યોગના વિકાસથી દેશ વિદેશથી લોકો મોરબીના પ્રવાસે આવે છે. મોરબી ભારતની સ્વતંત્રતા પછીથી એક નગરપાલિકા તરીકે અસ્તિત્વ ધરાવે છે. વર્ષ 2013 માં મોરબી જિલ્લાની રચના કરવામાં આવી હતી અને મોરબી શહેરએ જિલ્લાનું મથક બન્યું હતું.જેણે આ નગરના વિકાસમાં નવી ઊર્જા અને ગતિ આપી છે. હવે કોર્પોરેશન બનવાથી નગરનો સર્વાંગી વિકાસ થશે માળખાગત સુવિધાઓ જેમ કે રસ્તાઓ, પાણી, સ્વચ્છતા, પરિવહન વ્યવસ્થા વગેરેના વિકાસને વેગ મળશે જે મોરબી ને એક આધુનિક અને સુવ્યવસ્થિત નગર તરીકે ઉભું કરશે. મહાનગરપાલિકાઓ અસ્તિત્વના 50 વર્ષ પછી જે સેવાઓનું સ્તર પ્રદાન કરે છે. તે સ્તર સુધી મોરબી મહાનગરપાલિકા આગામી 10 વર્ષમાં પહોંચવાનો પ્રયત્ન કરશે. અમારી ટીમે મહાનગરપાલિકા બની ત્યારે પ્રથમ દિવસથી જ કામગીરી શરૂ કરી દીધી છે. પણ લોકોને અપીલ છે કે પરિવર્તન એક દિવસમાં આવતું નથી. જેથી અમારી ટીમએ એક વર્ષનો રોડ મેપ તૈયાર કર્યો છે. જેમાં નગરના સર્વાંગી વિકાસ માટે પગલાઓની સ્પષ્ટ રૂપરેખા નક્કી કરવામાં આવી છે. આ યોજના અનુસાર સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તાઓ અને અન્ય મૂળભૂત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નવા સ્ટાફની ભરતી થશે, પાણી પુરવઠા અને ડ્રેનેજ સિસ્ટમને વધુ અસરકારક બનાવાશેમ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે મહાનગરપાલિકાની સેવાઓને વધુ સક્ષમ અને અસરકારક બનાવવા માટે જરૂરિયાત મુજબનું નવું મહેકમ મંજૂર કરવા માટે ટૂંક સમયમાં સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. અને મંજૂરી મેળવીને સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પાણી પુરવઠો અને ડ્રેનેજ સિસ્ટમને વધુ અસરકારક અને સમયસર બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં વાલ્વ સિસ્ટમ સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્ઝિબિશન અને ઝોન મેપિંગ જેવી આધુનિક તકલીઓ કોનો સમાવેશ કરવામાં આવશેનવી મુખ્ય કચેરી, ઝોન કચેરી અને વોર્ડ કચેરી માટે જમીન પસંદ કરી તેનું નિર્માણ કરાશે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રથમ વિકાસ યોજના એટલે કે ડેવલપમેન્ટ તૈયાર કરવામાં આવશે. સરકાર પાસેથી મંજૂરી મેળવી તેને ઝડપથી અમલમાં મૂકવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાઓને વધુ સુલભ બનાવવા માટે નવી મુખ્ય કચેરી, ઝોન કચેરી અને વોર્ડ કચેરીઓ માટે જમીનની ઓળખ કરવામાં આવશે અને નિર્માણ કાર્ય શરૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવશે. ફાયર સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે જેમાં નવા ફાયર વાહનો અને આધુનિક સાધનોનો સમાવેશ કરવામાં આવશે.તમામ 19 સર્કલને ડેવલોપ કરાશે, નવા પે એન્ડ પાર્ક અને બાગ બનાવવામાં આવશેમ્યુનિ. કમિશનરે જણાવ્યું કે ઘરેલુ સ્તરે કચરાનું સુવ્યવસ્થિત આયોજન કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. શહેરના નવા વિસ્તારોમાં સફાઈ સેવાઓને વિસ્તારમાં આવશે. જેથી સ્વચ્છતાનું સ્તર ઉચ્ચ રહે અને શહેરના દરેક ખૂણામાં સ્વચ્છતા અને સુવ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે. મહાનગરપાલિકા દ્વારા બગીચાઓની કાયાકલ્પ કરી તેમનું પુનઃ નિર્માણ કરવામાં આવશે તેમજ નવા બાગોના નિર્માણ પણ કરવામાં આવશે. સરદારબાગનું પુનઃનિર્માણ અમૃત યોજના હેઠળ ચાલુ છે. જે શહેરના સૌંદર્યને વધુ સમૃદ્ધ બનાવશે. શહેરના તમામ 19 સર્કલનો વિકાસ કરવામાં આવશે. જેમાં ટ્રાફિક સુવ્યવસ્થા અને સિટી બ્યુટીફિકેશન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટ્રાફિક સ્થિતિને સુગમ બનાવવા માટે નવા પે એન્ડ પાર્ક સ્થળોની ઓળખ કરવામાં આવશે. જેથી શહેરના મુખ્ય માર્ગો પર ગતિશીલતા વધી શકે. વાવડી રોડને આઇકોનિક રોડ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યો છે. જેનું કામ આગામી મહિનાઓમાં પૂર્ણ કરવામાં આવશે.નાગરિકો ઘરે બેઠા સેવા મેળવી શકે તેવી ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાશેમ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા માળખાકીય સુવિધાઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. જેથી શહેરીજનો ઘર બેઠા અમુક લાભો મેળવી શકે. મહાનગરપાલિકાની નવી વેબસાઈટ તૈયાર કરવામાં આવશે અને ઇ સિટિઝન સેવાઓ દ્વારા નાગરિકોને વધુ પારદર્શક અને સુલભ સેવાઓ પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત ફરિયાદ નિવારણ તંત્રને સુધારવામાં આવશે. જેથી નાગરિકો ફરિયાદો અને સમસ્યાઓનો ઝડપી અને સરકારક રીતે નિવારણ થઈ શકે.