મોરબી : ગત તારીખ 7-10-2025 ના રોજ માળિયા (મિયાણા) તાલુકાની નાની બરાર તાલુકા શાળા, બાલ આંગણવાડી નાનીબરાર અને સરકારી હાઈસ્કૂલ નાની બરારના તમામ વિદ્યાર્થીઓને માળિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગર દ્વારા એમના ભાણેજ સ્વ.કિશન ચંદુભાઈ બકુત્રાના સ્મરણાર્થે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીના તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ સ્લેટ અને બાલવાટિકાથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને સ્ટેશનરી પાઉચ આપવામાં આવ્યા. આ વિતરણ જીગ્નેશભાઈના પુત્ર દેવાંશના હાથે કરાવવામાં આવ્યું હતું. નાની બરાર તાલુકા શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફરના જણાવ્યા મુજબ જીગ્નેશભાઈ તરફથી એમના ભાણેજની દરેક માસિક પુણ્યતિથિ નિમિત્તે કંઈકને કંઈક દાન પુણ્ય કરવામાં આવે છે. આ અગાઉ પણ એમના દ્વારા વિદ્યાર્થીઓને સુંદર શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય શાળાના દરેક કાર્યક્રમમાં પણ એમના દ્વારા આર્થિક યોગદાન પૂરું પાડવામાં આવે છે. ત્યારે રાકેશભાઈ ફેફર દ્વારા જીગ્નેશભાઈ ડાંગરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.