વાંકાનેર : વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક રસ્તો ઓળંગી રહેલા આધેડને ઇકો ચાલકે ઠોકર મારી ઉલાળી દેતા આધેડનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.6ના રોજ સાંજના સમયે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં વાંકાનેર રેલવે સ્ટેશન નજીક રહેતા સભાનારાયણ તિલેશ્વર શર્મા નવાપર ગાળા પાસે રસ્તો ઓળંગતા હતા ત્યારે ઇકો કાર નંબર જીજે - 38 - બીબી - 2708ના ચાલકે હડફેટે લઈ રોડ ઉપર પછાડી દઈ નાસી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની આશાબેન સભાનારાયણ શર્માએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી નાસી છૂટેલા ઇકો ચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.