હળવદ તરફ વધારાના ચાર ગાળા માટે 9 કરોડનો ખર્ચ મંજુર, માર્ચ 2025મા કામ પૂર્ણ થશેમોરબી : મોરબી મહેન્દ્ર નગર ચોકડીએ છેલ્લા ચાર મહિનાથી ફલાય ઓવરનું કામ ઠપ્પ થઈ જવા મામલે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળું જાગ્યું છે અને ચાર મહિનાથી અટકેલા પ્રોજેકટમાં હળવદ તરફ ચાર ગાળા વધારવા માટે સરકારે વધારાનો 9 કરોડ રૂપિયાનો ખર્ચ મંજુર કર્યાનુ ધરાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ જાહેર કર્યું છે.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ લેખિત યાદીમાં જણાવ્યું હતું કે, મહેન્દ્રનગર ચોકડી ખાતે બનતા ફ્લાય ઓવરમાં વધારાની સુવિધા માટે વધુ રૂપિયા 9.00 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. માળીયા - કચ્છ નેશનલ હાઇવેથી હળવદ રોડ પર, મહેન્દ્રનગર ચોકડી ખાતે બની રહેલા ફ્લાય ઓવરમાં જે તે વખતે વાહન વ્યવહાર માટે 35 મીટરના ચાર ગાળા મંજૂર કરવામાં આવેલ હતા. જેતપર રોડ પર વધતા જતા ઔદ્યોગિકરણ અને ટ્રાફિકને ધ્યાનમાં લેતા વધારાના આવા ખુલ્લા અન્ય ચાર ગાળાની જરૂરિયાતને લક્ષમાં લેતા ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતા વાહન વ્યવહારની સરળતા માટે તથા પાર્કિંગ સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા 35 મીટરના વધારાના ચાર ગાળા બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. જેથી હવે 35 મીટરના કુલ આઠ ગાળા ખુલ્લા રહેશે.વધુમાં આ માટે બનેલી નવી ડિઝાઈનના ફ્લાય ઓવરના ખર્ચમાં રૂપિયા 9.00 કરોડનો વધારાનો આર્થિક બોજ પડે છે અને આ કામ માર્ચ 2025 માં પૂર્ણ થશે, એટલા પૂરતી પ્રજાને હાલાકી પડશે પરંતુ આવા ફ્લાય ઓવર વારંવાર બનતા નથી અને આવી સુવિધા પાછળથી ઉપલબ્ધ થઈ શકે નહીં, એટલે લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લેતા થોડા સમય માટે આ તકલીફ સહન કરવા મોરબીની જનતા પાસે સહકારની માંગ કરી ટુક સમયમાં જ કામ ચાલુ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.