વાવાઝોડાથી ચોમાસુ વેગવાન બનશે મળશે ગતિ : આ વર્ષે 98 ટકા સારા વરસાદની હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 15થી 20 જૂન સુધીમાં ચોમાસું બેસવાની શક્યતા મોરબી : હવામાન વિભાગે નૈઋત્ય (સાઉથવેસ્ટ)નું ચોમાસુ વહેલું હોવાની આગાહી કરી કેરળથી તા.31 મેના બેસી જશે તેવું જણાવ્યું છે. આ વર્ષે હવામાન વિભાગે 98 ટકા વરસાદની આગાહી કરી છે. કેરલમાં બેસતું ચોમાસુ કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર, કચ્છ તરફ આવતું હોય છે ત્યારે 15થી 20 જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીનો વરતારો આપવામાં આવ્યો છે. ઓણસાલ હોળીની ઝાળ તેમજ અખાત્રીજના પવનની ગતિ ગુજરાતમાં વાયવ્ય અને પશ્ચિમની દિશામાં રહેતા એકંદરે સારા ચોમાસાનો વરતારો લોકોએ કાઢ્યો છે જેને હવામાનની આગાહી પરથી અનુમોદન મળી રહ્યું છે. હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.15થી 20 જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે જો કે આ ચોમાસુ કેટલી ઝડપથી આગળ વધે છે તે જે તે વખતના કુદરતી સંજોગો પર આધારિત હોય છે. મહત્વની વાત એ છે કે ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે. અને ત્યારબાદ પ્રિમોન્સૂન વરસાદી ઝાપટાં અને સમયસર ચોમાસુ બેસે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે.