રવાપર રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપરથી પોલીસે લાયસન્સ વગર વાહન ચલાવતા તેમજ ધૂમ બાઇક ચલાવનારાઓ સામે કરી કાર્યવાહી : 25 બાઇક ડિટેઇન, 100થી વધુ વાહનોને દંડ, 8 કારમાંથી બ્લેક ફિલ્મ હટાવાય મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમય બાદ પોલીસે આજે હરકતમાં આવી સઘન ટ્રાફિક ડ્રાઇવ યોજી છે. આ વખતે ડીવાયએસપી પોતે જ મેદાનમાં ઉતર્યા હતા. તેઓએ સતત 2 કલાક સુધી આ ડ્રાઇવ ચલાવીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ધડાધડ દંડ ફટકાર્યા હતા. મોરબીમાં રવાપર રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપર આજે ડીવાયએસપી પી.એ.ઝાલા, એ ડિવિઝન પીઆઇ એચ.એ જાડેજા તેમજ પીએસઆઇ સહિતના 25 જેટલા અધિકારીઓ અને સ્ટાફના લોકોએ ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. જેમાં લાયસન્સ વગરના, ધૂમ સ્ટાઈલમાં જતા હોય તેવા વાહનોને રોકી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવમાં 200થી વધુ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 25થી વધુ બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા. 100 વધુને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે 8 જેટલી કારના કાચ ઉપર લગાવેલ બ્લેક ફિલ્મ હટાવવામાં આવી હતી. આ કાર્યવાહી સતત 2 કલાક સુધી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે મોરબીમાં રોડ-રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન સુવ્યવસ્થિત રીતે થાય અને સુરક્ષા જળવાય રહે તેવુ જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે. ત્યારે પોલીસ સતત આ પ્રકારે ડ્રાઇવ ચાલુ રાખે તેવી લોકમાંગ ઉઠી છે.