ટંકારા મામલતદાર તરીકેના કાર્યકાળ દરમિયાન આણંદપર ગામનું જમીન કૌભાંડ ધૂણતા ખળભળાટ મોરબી : મોરબી જિલ્લામાં ફરજ દરમિયાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફંગોળાઈ રહેલા ડે.કલેકટર દમયંતિબેન બારોટને સરકાર દ્વારા ફરજિયાત નિવૃત્તિ લઈ લેવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને સરકારના આ પગલાંનો ઉઘાડે છોગ વિરોધ કરી ડે.કલેકટર દમયંતિબેન બારોટે GAS કેડરના વોટ્સએપ ગ્રુપમાં કોમેન્ટ કરી આના કરતાં તો મરી જવું સારું તેમ જણાવતા આ મુદ્દો ચર્ચાને ચકડોળે ચડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં હાલમાં ડે.કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા દમયંતિબેન બારોટની સ્થિતિ ખાતા વગરના પ્રધાન જેવી થઈ ગઈ છે, વર્ષો પૂર્વે ટંકારા મામલતદાર તરીકેની ફરજ દરમિયાન આણંદપર ગામની બ્રાહ્મણની વિવાદિત જમીન પ્રકરણમાં તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માની સૂચના મુજબ સરકારનું હિત ડૂબાવવા મામલે દમયંતિબેન બારોટ લાંબા સમયથી ખાતાકીય તપાસનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ખાતાકીય તપાસના અંતે સરકારના જુદા - જુદા વિભાગો દ્વારા ડેપ્યુટી કલેક્ટર દમયંતિબેન દોષિત હોવાનું જણાતા સરકાર દ્વારા તેમને ફરજીયાત નિવૃત્તિ લઈ લેવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે, જો કે આ મામલે દમયંતિબેન બારોટનો ટેલિફોનિક સંપર્ક સધવામાં આવતા મોબાઈલ ફોન સતત નો રીપ્લાય થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના આણંદપર ગામની જમીન પ્રકરણમાં તત્કાલીન જિલ્લા કલેકટરના આદેશથી જ કરોડોની કિંમતી જમીન ખાનગી ઠરી હોય એકંદરે આ પ્રકરણમાં દમયંતિબેન પોતે દોષિત ન હોવાનું GAS કેડરના અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં ખુલામખુલા ચર્ચાઓ પણ ઉઠી છે. ચોકવનારી બાબત તો એ છે કે ડેપ્યુટી કલેકટર તરીકે મોરબીમાં આમથી તેમ ફંગોળાઈ રહેલા દમયંતિબેન બારોટે GAS કેડરના ગ્રુપમાં પોતાનો વાંક ન હોવા છતાં સરકાર તરફથી હેરાનગતિ થતી હોય નાલેશી ભરી જિંદગી જીવવા કરતા તો મૃત્યુ સારું તેવી સ્ફોટક કૉમેટ શાયરના અંદાજમાં કરતા હાલ સમગ્ર રાજ્યના ગુજરાત કેડરના અધિકારીઓમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.