દર્દી નહિ પોતીકા ગણી રાજકોટ - જામનગર વચ્ચે સતત દોડધામ ટંકારા : માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના ચરમસીમાએ હતો ત્યારે ટંકારા 108 ટીમ દ્વારા સતત દોડધામ કરી 230 દર્દી નારાયણની સેવા માટે ખડેપગે ફરજ બજાવી હતી, ટંકારા 108 ટીમે આ કપરા સમયમાં સરેરાશ દરરોજ 4 દર્દીઓને મોરબી, રાજકોટ કે જામનગર સુધી પહોંચાડ્યા હતા. કોરોના મહામારીની બીજી લહેર મોરબી જિલ્લા માટે ઘાતક સાબિત થઈ હતી અને ખાસ કરીને માર્ચ અને એપ્રિલ માસમાં કોરોના પોઝિટિવ કેસોનો રાફડો ફાટ્યો હતો તેવી ગંભીર સ્થિતિમાં ટંકારા તાલુકામાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ આ બે માસ દરમિયાન દિવસ રાત દોડી હતી અને કુલ 230 દર્દીને સારવાર અર્થે ખસેડાયા હતા. કોરોના પોઝિટિવ કેસના રાફડા વચ્ચે મોરબીની હોસ્પિટલો ટૂંકી પડતા ટીમ 108 દ્વારા રાજકોટ જામનગર અને જ્યાં ખાલી જગ્યા મળે ત્યાં દર્દીઓને સારવારમાં લઇ જઇ રીતસર જીવ બચાવવા ઝઝુમ્યા હતા. ટંકારા તાલુકામાં 108 ટીમના સુપરવાઇઝર વિરાટ પંચાલ, પ્રોગામ મેનેજર બિપિન ભેટરીયા, પાઈલોટ સલિમ ભુગંર, ઈએમટી રૂબિયાબેન, વલ્લભભાઈ, ઈકબાલભાઈ, પાઈલોટ છેલ્લુભાઈ સંધાણી પાઈલોટ કેતનસિંહ સહિતના કોરોના યોદ્ધાઓ 24 કલાક ઇમરજન્સીને સાર્થક કરતા નજરે ચડયા હતા. અને આ કટોકટી ભર્યા બે મહિના દરમિયાન દરરોજ સરેરાશ ચારેક દર્દીઓના જીવ બચાવવા સતત દોડધામ જારી રાખી હતી.