સ્થાનિક ખાનગી ટાઉનશિપની મહિલાઓએ પાણી પ્રશ્ને ભાજપના નેતાઓને રોકીને દસ દસ દિવસથી પાણી વગર હાલાકી ભોગવવી પડતી હોવાની હૈયાવરાળ ઠાલવી મોરબી : કેન્દ્રીય મંત્રીના કાફલા સાથે આજે મોરબી શહેરમાં ફરીને ભાજપની ગૌરવ યાત્રાનો કાફલો મહેન્દ્રનગર ચોકડી પહોંચ્યો હતો. ત્યારે સ્થાનિક ખાનગી ટાઉનશિપની મહિલાઓનું ટોળું પાણી પ્રશ્ને બેડા સાથે રસ્તા ઉપર આવીને ભાજપના નેતાઓની ગાડી અટકાવી પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી પ્રભુકૃપા ખાનગી ટાઉનશિપમાં છેલ્લા દસ દિવસથી પાણી આવતું ન હોવાથી રોજ રોજની પાણીની હદમારીથી કંટાળી ગયેલી મહિલાઓ વિફરી હતી. દરમિયાન ભાજપની ગૌરવ યાત્રા આજે મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થવાની હોવાની જાણ થતાં જ પાણી પ્રશ્ને રોષે ભરાયેલી મહિલાઓએ બેડા સાથે મહેન્દ્રનગર ચોકડીએ રસ્તા ઉતરી આવી હતી અને ચક્કાજામ સર્જી દીધો હતો. જો કે ભાજપની ગૌરવ યાત્રા તો અહીંથી નીકળી ગઈ હતી. પણ મહિલાઓએ ભાજપના નેતાઓની ગાડીઓ રોકીને તેમના સમક્ષ દસ દિવસથી પાણી આવતું ન હોવાથી ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની રજુઆત કરી હતી. જોકે હાજર પોલીસે મહિલાઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.