પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા ઉપર હરિદ્વાર થઈ મોરબી આવેલી હિંદુ પરિવારોએ વ્યથા રજૂ કરી હાલના તબક્કે 45 હિન્દૂ શરણાર્થીઓ માટે સંસ્થાઓએ આશરો અને ભોજનની વ્યવસ્થા કરી મોરબી :પાકિસ્તાનથી હરિદ્વાર ટુરિસ્ટ વિઝા ઉપર આવી બનાસકાંઠા થઈ મોરબી પહોંચેલા 45 હિન્દૂ શરણાર્થી પરિવારોએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વ્યથા રજૂ કરી હતી. 45 હિન્દૂ શરણાર્થી પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવે છે અને પાકિસ્તાનમાં હાલ બેકારી અને મોંઘવારીએ એવો ભરડો લીધો છે કે, જીવવું હરામ થઈ ગયું છે જેથી તેઓ હવે ભારતમાં રહેવા ઈચ્છે છે. પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દૂ શરણાર્થીઓએ જણાવ્યું હતું કે, તેઓ પાકિસ્તાનમાં ખેત મજુરી કરતા હતા અને સામાન્ય આવકમાં ઘરનું પૂરું થતું ન હતું. કારણ કે, એક પરિવાર દીઠ એક જ વ્યક્તિને રોજગારી એટલે ખેત મજુરી મળતી હતી. કમાનાર એક જ વ્યક્તિ અને ખાનારા બાળકો સહિત આઠ સભ્યો હોય તો ઘરનું ક્યાંથી પૂરું થાય ?પાકિસ્તાનમાં હાલ બેકારી અને મોંઘવારીએ માજા મુક્તા પરિસ્થિતિ ખૂબ જ દયનિય છે. અમારે ભૂખમરો જેવી હાલત થઈ જતી હતી. એક વ્યક્તિને માત્ર 400, 500 રૂપિયાની રોજની કમાણી થતી હોય આટલી નાની આવકમાં કુટુંબનું ભરણપોષણ પણ ન થતું હોય ત્યાં અમારા બાળકોના શિક્ષણ વિશે પણ વિચાર જ કરી શકાય એમ ન હતો. મોંઘવારી એટલી હદે વધી છે કે ઘણી વખત ભૂખ્યા સૂવું પડતું હતું અને પાકિસ્તાનમાં આશરો પણ હતો નહિ એટલે રખડતું ભટકતું જીવન ગુજારતા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી ત્રણ મહિના પહેલા ટુરિસ્ટ વિઝા ઉપર હરિદ્વાર આવી ગયા બાદ હરિદ્વારમાં ત્રણ દિવસ રોકાયા બાદ બનાસકાંઠામાં પહોંચ્યા અને ત્યાં ત્રણ મહિના સુધી ખેતમજુરી કરતા હતા. રહેવા માટે આશરો માંગ્યો હતો.પણ મળ્યો ન હતો તેમજ લોગ ટાઈમ વિઝા માટે 40 હજાર રૂપિયા આપ્યા હોવાનું પણ તેઓએ કહ્યું હતું. બનાસકાંઠામાં આશરો ન મળતા કોઈકે મોરબી આશરો અને રોજગારી મળશે એવું કહેતા આ બધા પરિવારો મહિલા બાળકો સાથે મોરબી આવી પહોંચ્યા છે. જો કે, હવે પાકિસ્તાનથી મોરબી આવેલા હિન્દૂ શરણાર્થીઓ કહે છે કે હવે ફરી પાછા પાકિસ્તાનમાં જવા માંગતા જ નથી. કારણ કે, પાકિસ્તાનમાં ભૂખમરો છે. એટલે હવે અહિયાં જ રહેવા માંગીએ છીએ, સરકાર, તંત્ર અને સંસ્થાઓ સમક્ષ આ હિન્દૂ લોકોએ આશરો અને રોજગારી આપવાની વ્યવસ્થા કરવાની વિનવણી કરી છે અને કાયમી ભારતનું નાગરિકત્વ મળે તેવી પણ માંગ કરી છે. જો કે તંત્ર અને પોલીસ હજુ આ લોકોનું વેરિફિકેશન કરી રહી છે. એટલે હાલના તબક્કે કોળી સમાજ,જલારામ પ્રાર્થના મંદિર સહિતની સંસ્થાઓ આ હિન્દૂ શરણાર્થી પરિવારોએ મદદ કરવા આગળ આવી છે અને આશરો આપવા તેમજ બે ટાઈમ ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.