બીએલઓ એપ ચાલતી જ ન હોય માઈનસ રેન્કિંગ આપી શિક્ષકો ઠાલવી રહ્યા છે ગુસ્સો મોરબી : હાલ મોરબી જિલ્લા સહિત રાજ્યભરના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને બુથ લેવલ ઓફિસર તરીકેની વધારાની કામગીરી સોંપીને ડોર ટુ ડોર જઈને મતદારોની યાદી તૈયાર કરાવવામાં આવી રહી છે. ત્યારે બીએલોઓ એપના ઓનલાઈન કામગીરી થતી ન હોવાના કારણે શિક્ષકો સહિતના કર્મચારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને બીએલઓની કામગીરીના કારણે શિક્ષક અને શિક્ષણ બન્નેના હાલ બેહાલ થયા હોવાનું કહી રહ્યા છે. બીએલઓની કામગીરીમાં જોડાયેલા શિક્ષકોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પોતાની રોજની ફરજના ભોગે સરકાર બીએલઓની કામગીરી કરાવી રહી છે. આ કામ સરકારનું છે પરંતુ મોબાઈલ અને ડેટા દરેક બીએલઓ પોતાનો વાપરી રહ્યા છે. એમાંય પણ બીએલઓ એપ યોગ્ય રીતે ચાલતી નથી અને વારંવાર એરર આવી જાય છે જેના કારણે એક પરિવારની એન્ટ્રી કરવામાં 25 મિનિટ જેવો સમય લાગી જાય છે. હાલ બીએલઓ દ્વારા બીએલઓ એપને માઈનસ રેન્કિંગ આપીને પોતાનો ગુસ્સો ઠાલવવામાં આવી રહ્યો છે. ચૂંટણી આયોગને બીએલઓ પાસેથી કામ કરાવવું છે પણ સુવિધાઓ કશી આપવી નથી એવો ગણગણાટ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તો આ ડોર ટુ ડોર કામગીરીનો બહિષ્કાર પણ થયો છે. આવી જટિલ કામગીરીના કારણે બીએલઓ ખુબજ હેરાન પરેશાન છે. પણ બીએલઓનો અવાજ, એમની તકલીફો કોઈ સાંભળતું નથી અને સાંજે કામગીરીના રીવ્યુ માંગવામાં આવી રહ્યા છે. જેના કારણે અનેક બીએલઓ માનસિક તણાવમાં આવી ગયા હોવાનું પણ જણાવી રહ્યા છે.