અગાઉ 10 લાખ વિદ્યાર્થીઓ સામે 6 વર્ષ પૂર્ણ થયે ધોરણ 1મા પ્રવેશના નવા નિયમથી માત્ર 3 લાખ એડમિશન મોરબી : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટેની ઉંમર ફરજિયાત છ વર્ષ કરી દેવામાં આવી છે અને તેની અસર આ વર્ષના એડમિશન પર જોવા મળી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પહેલા ધોરણમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો છે. દર વર્ષે 10-11 લાખની સામાન્ય સંખ્યાની સામે આ વર્ષે માત્ર 3 લાખ વિદ્યાર્થીઓને જ પહેલા ધોરણ પ્રવેશ આપવામાં આવ્યો છે. આઈએમ ગુજરાતના રિપોર્ટ મુજબ રાજ્ય સરકારે ધોરણ 1માં પ્રવેશ માટે વય અંગે નવા માપદંડો અમલમાં મૂક્યા છે, જેમાં બાળકોને અગાઉની જેમ પાંચ વર્ષની જગ્યાએ પહેલી જૂનના રોજ ઓછામાં ઓછું છ વર્ષ હોવું જોઈએ. જેઓ વય માપદંડને પૂરા કરતાં નથી તેવા બાળકોને પ્રવેશ આપવા માટે સરકારે બાલ-વાટિકાની સ્થાપના કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જૂના નિયમ પ્રમાણે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી શકે નહીં. શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે જણાવ્યું હતું કે, 'સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ અને ખાનગી સ્કૂલોમાં, પહેલા ધોરણમાં નવા એડમિશનની સંખ્યા 2.75 લાખથી 3 લાખની વચ્ચે છે. જ્યારે આશરે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે'. રાવે ઉમેર્યું હતું કે, આ વર્ષે ધોરણ 1માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી ટીચિંગ અને નોનટીચિંગ સ્ટાફના કર્મચારીઓની નોકરીઓ પ્રભાવિત ન થાય તેની ખાતરી કરવા માટેની સૂચના જિલ્લા-સ્તરના અધિકારીઓને આપવામાં આવી છે.