દરરોજ પાંચ ટેન્કર ભરીને મોકલાવતા દૂધમાં ત્રણ વર્ષમાં પહેલીવાર અજુગતું બનતા દૂધ રિજેક્ટ થયાની મયુર ડેરીની સ્પષ્ટતા મોરબી : મોરબીની મયુર ડેરીમાંથી ગાંધીનગર મોકલવામાં આવેલ ૫ ટેન્કર એટલે કે એક લાખ લીટર દૂધ રિજેક્ટ થતા ચકચાર જાગી છે ત્યારે મયુર ડેરીના સંચાલકો દ્વારા ડેરીથી સલામત નીકળેલા દૂધમાં રસ્તામાં કશું અજુગતું બન્યાનું સ્વીકાર કરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું મીડિયાને જણાવાયું છે. મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સંચાલિત મયુર ડેરીના પાંચ ટેન્કર દૂધને ગાંધીનગરથી રિજેક્ટ કરવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ મુદ્દે ડેરીના સંચાલકોએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મયુર ડેરી દ્વારા છેલ્લા ૩ વર્ષથી દૈનિક ૧ લાખ લીટર એટલે કે ૫ ટેન્કર દૂધ ગાંધીનગર મોકલવામાં આવે છે. આ દૂધને તમામ પરીક્ષણ કર્યા બાદ મોકલવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આજ સુધી ક્યારેય દૂધ રિજેક્ટ થયું નથી. ગાંધીનગરથી જે દૂધ રિજેક્ટ થયું તેને પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ જ ટેન્કર મારફતે અહીંથી રવાના કરવામાં આવ્યા હતા. આ દૂધનું અહીં સેમ્પલ રાખવામાં આવ્યું છે તેમા પણ કઈ અજુગતું જોવા મળ્યું નથી. ટેન્કર અહીંથી નીકળ્યા અને ગાંધીનગર પહોંચ્યા તે સમય દરમિયાન કઇક અજુગતું બન્યું હોવાની શંકા છે. આ મામલે મયુર ડેરીએ સઘન તપાસ પણ હાથ ધરી છે. જે કોઇ આમા સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ સંચાલકોએ અંતમાં જણાવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en