આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા નગરપાલિકાને સ્થાનિકોની રજૂઆત મોરબી : મોરબી બાયપાસ ફોર ટ્રેક બનતો હોય તેમાં ભૂગર્ભ ગટર દટાઈ ગઈ હોય, તૂટી ગઈ હોય તે પ્રશ્નો સોલ્વ કરવા બાબત સ્થાનિકો દ્વારા નગરપાલિકા, કાર્યપાલક ઈજનેર, કલેક્ટર સહીત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે આ સમસ્યાને લઈને અનેક વખત રૂબરૂ તેમજ લેખિતમાં તેમજ વોટ્સએપ દ્વારા અને પ્રેસ મીડિયા દ્વારા રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન હાલ છેલ્લા ચાર માસ થયા લટકતો છે. આ પ્રશ્નોના કારણે અનેક સોસાયટીઓનું ભૂગર્ભ ગટરનું પાણી બંધ થયેલ છે. કોરોના જેવી બીમારીમાં આ ગંદુ પાણી રોડ રસ્તા ઉપર ફરી વળેલ હોય અનેક રોગની સમસ્યા આ વિસ્તારમાં ફરી વળી છે ત્યારે આ પ્રશ્ન વહેલાસર ઉકેલલાવવા અપીલ કરાઈ છે. વધુમાં, જણાવાયું છે કે તમામ અધિકારીઓને અનેક વખત આ બાબતની રજૂઆત કરવા છતાં કોઈ ભારપૂર્વક રસ લઈને આ પ્રશ્નને ઉકેલવા કેમ રસ નથી લેતું તે સમજાતું નથી. વાસ્તવિકતામાં આ પ્રજાને અતિ ભારે મુશ્કેલી પડે છે. આ પ્રશ્નો વહેલાસર ઉકેલાવો જરૂરી છે. સ્વતંત્ર પ્રજા રોષ હોવા છતાં સહન કરીને હાલની પરિસ્થિતિમાં મૌન છે. આ પ્રશ્ન ક્યારે પ્રજામાં અતિશય વિસ્ફોટક થાય તે કંઈ કહેવાય નહીં. માટે વહેલાસર કોઈ ગંભીર પરિણામ ન આવે તે પહેલા આ પ્રશ્ન ઉકેલ લાવવો જરૂરી છે.