વધુ અનાજ ખવડાવવાથી ગાયને આફરો ચડવાના દર મકરસંક્રાંતિએ અંદાજે 8થી 10 કિસ્સાઓ સામે આવતા હતામોરબી : મકરસંક્રાંતિએ દાન-પુનનો મહિમા છે. પણ લોકો અજાણતા ગાયોને વધુ અનાજ આપે તો ગાયોનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે. પણ આ મકરસંક્રાંતિએ લોકોની જાગૃતતાના કારણે ગાયને આફરો ચડવાનો માત્ર એક જ કિસ્સો સામે આવ્યો છે. મોરબી પંથકમાં ગૌ-સેવા અને ગાયોની સારવાર માટે સુપ્રસિદ્ધ એવી યદુનંદન ગૌશાળાના સંચાલક કાનજીભાઈ જારીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે ગાયોને વધુ અનાજ ખવડાવવું જોખમી છે. ઘણા લોકોને આ વિશે ખ્યાલ ન હોય મકરસંક્રાંતિએ ઘુઘરી, મકાઈ સહિતની વસ્તુઓ ખવડાવતા હોય છે. વધુ અનાજ ખાવાથી ગાયને આફરો ચડે છે અને તેના પેટમાં ગેસ ભરાઈ છે. ઘણા કિસ્સામાં ગાયના કણસીને મોત પણ નીપજે છે. ગાયોને આફરો ચડવાના દર વર્ષે મકરસંક્રાંતિએ અંદાજે 8થી 10 જેટલા કેસ નોંધાતા હોય છે. પણ આ વખતે લોકોમાં જાગૃતતા આવી છે. મકરસંક્રાંતિએ ગાયને આફરો ચડવાનો માત્ર એક જ કિસ્સો નોંધાયો છે. જો કે દુઃખદ બાબત છે કે તે ગાયનું મોત નીપજ્યું છે. અંતમાં કાનજીભાઈ જારીયા લોકોને અપીલ કરતા જણાવે છે કે ગાયોને ઘાસચારો કે ખોળ આપવું જોઈએ. અનાજ આપવાનું ટાળવું જોઈએ.