પરાજિત થયેલા ઉમેદવારના પતિએ વિજેતા મહિલાના પતિ અને જેઠને ઇજાગ્રસ્ત કર્યા મોરબી : રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણી હારી જનાર મહિલાના પતિ સહિતના શખ્સોએ વિજેતા બનેલા મહિલાના પતિ અને જેઠ ઉપર ધોકા, પાઇપ અને તલવાર લઈ હુમલો કરતા ઇજાગ્રસ્ત બનેલા બન્નેને સારવારમાં ખસેડાયા છે. આ ઘટના મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રવાપરના ધાયડી વિસ્તારમાં રહેતા અને ગ્રામ પંચાયતમાં નોકરી કરતા ભીખાભાઇ આપાભાઇ જારીયાના પત્ની ભારતીબેન ગત ગ્રામપંચાયતની ચૂંટણીમાં તેમના હરીફ મહિલા ઉમેદવારને હરાવી વિજેતા બનતા ચૂંટણી હારી જનાર મહિલાના પતિ અજયભાઇ પ્રભાતભાઇ ચાવડાને સારું ન લાગતા ફરિયાદી ભીખાભાઇ સાથે મનદુઃખ ચાલી રહ્યું હતું. દરમિયાન ગઈકાલે ફરિયાદી ભીખાભાઇ અને તેમના મોટાભાઈ રવજીભાઈ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપી અજયભાઇ પ્રભાતભાઇ ચાવડા, પ્રદિપભાઇ ચાવડા અને સતિષભાઇ રમેશભાઇ ચાવડાએ રામજી મંદીરના ચોરા પાસે બન્નેને ઉભા રાખી જુના મનદુઃખમાં ઝઘડો કર્યો હતો અને લાકડી, ધોકા તેમજ તલવાર વડે હુમલો કરતા બન્ને ભાઈઓને ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભીખાભાઇની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.