મોરબી : મોરબી પીજીવીસીએલ દ્વારા સતત એક વર્ષ સુધી નિયમિત વિજબીલ ભરતા ગ્રાહકોની ઘરે જઈ ઢોલ-નગારાના તાલ સાથે પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ મોરબી વિભાગીય કચેરી હેઠળની વિવિધ પેટા વિભાગીય ગ્રાહકો કે જેઓ દ્વારા ગત નાણાકીય વર્ષ 2021-22 દરમ્યાન વીજબીલ મળ્યાના 5 દિવસમાં ભરપાઈ કરેલ હોય અને આ નિયમિતતા સતત એક વર્ષ સુધી જાળવી રાખેલ હોય તેવા કુલ ૭ ગ્રાહકોના ઘરે ઢોલ - નગારાના તાલ સાથે કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું. વધુમાં વધુ ગ્રાહકો સમયસર વીજ બીલ ભરપાઈ કરવા માટે પ્રેરાય અને ગ્રાહકોમાં જાગૃતિ કેળવાય તે માટે પી.જી.વી.સી.એલ. દ્વારા પ્રથમ વખત મોટા દહીસરા,વવાણીયા,ઘાટીલા અને લખાધીરગઢ ખાતે કુલ ૭ ગ્રાહકોના ઘરે જઈ પુષ્પગુચ્છ તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સ્થાનીક લોકોએ પણ ઉત્સાહભેર બિરદાવેલ હતો.