ડૉ. ધનસુખ અજાણાના દિશા-નિર્દેશ હેઠળ યોજાયેલ વર્કશોપમાં 70 થી વધુ NSS વિદ્યાર્થીઓએ ભાગ લીધોમોરબી અપડેટ : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજે તારીખ 09 સપ્ટેમ્બર 2026 ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વ્યસન/ડ્રગ મુક્તિ અને 'ટીબી મુક્ત ભારત અભિયાન' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ આ ટીબી મુક્ત ભારત અભિયાન વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના 70 થી વધુ NSS વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ક્ષયરોગ (ટીબી) અંગે જાગૃતિ કેળવવાનો તથા તેના લક્ષણો, કારણો, બચાવ અને સારવાર અંગેની જરૂરી માહિતી પૂરી પાડવાનો હતો. કાર્યક્રમમાં જિલ્લા ક્ષય વિભાગ (DPC) ના વક્તા પિયુષભાઈ જોષીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ટીબી એક ચેપી રોગ છે. લાંબા સમય સુધી ઉધરસ રહેવી, તાવ આવવો, રાત્રે પરસેવો થવો, વજન ઘટવું અને ભૂખ ન લાગવી વગેરે તેના મુખ્ય લક્ષણો છે. ટીબીની શંકા જણાય તો સમયસર તપાસ કરાવી તબીબી સલાહ મુજબ સંપૂર્ણ સારવાર લેવી અત્યંત જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને 'ટીબી મુક્ત સમાજ' ના નિર્માણમાં સહભાગી બનવા પ્રેરિત કર્યા હતા.આ સમગ્ર જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ઘુવ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ટીબી મુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો.#MorbiUpdate #MorbiNews #UNMehtaCollege #NSS #TBMuktBharat #HealthAwareness #Morbi