આરોપીના ઘરેથી તપાસ દરમિયાન રોકડ 50 લાખ રૂપિયા ગુજરાત ATSની ટીમે કબજે કર્યા છે વડોદરા : વડોદરાના સાવલીમાંથી પકડાયેલી એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાયા બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ લોકડાઉન બાદ મુંબઈ અને રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને 150 થી 300 કિલો જેટલું તૈયાર એમડી ડ્રગ્સ વેચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.સાથો સાથ આ ડ્રગ્સ બનાવવા માટે મોરબી નજીક ગાળા ગામ પાસે આવેલી કેમિકલ ફેકટરીમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરાતો હોવાનું પણ સામે આવ્યું છે. એટીએસ દ્વારા વડોદરાના સાવલી નજીકથી એમડી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપી લીધા બાદ આરોપી મહેશ વૈષ્ણવના ઘરે તપાસ કરતા 50 લાખ રોકડ પણ કબ્જે કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા 6 આરોપીઓની પૂછપરછ કરાઈ છે. ગુજરાત એટીએસ દ્વારા એમડી ડ્રગ્સ કેસમાં પકડવામાં આવેલા 6 આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત તેમણે અન્ય કઈ જગ્યા પરથી ડ્રગનો કાળો કારોબાર ચલાવતા હતા? કાચો માલ ક્યાંથી આવતો હતો? આમાં કોણ કોણ છે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા મોરબીના ગાળા ગામ નજીક આવેલ ફેકટરીમાં કેમિકલની આડમાં ડ્રગ્સનો ધંધો કરાવામાં આવતો હોવાનું બહાર આવતા આ ફેક્ટરીમાં એટીએસની ટીમ ત્રાટકી હતી. આ ફેક્ટરી કેનાલના કાંઠે આવેલી હોવાનું અને ગામથી દૂર આવેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. વધુમાં મોરબીની ફેક્ટરીમાં સિન્થેટિક માદક પદાર્થ બનતો હોવાનું અને મહેશ ધોરાજીના કહેવાથી આરોપી દિલીપ વઘાસિયા અને પિયુષ પટેલ પહેલેથી જ પાર્ટનરશીપ કરી ડ્રગનો કાળો કાળો બહાર ચલાવતા હતા અને મોરબી ખાતેની એક કેમિકલ ફેક્ટરીના માણસો સાથે સંપર્ક કરાવી પિયુષ પટેલ મહેશ ધોરાજી કેમિકલ ફેક્ટરીના ગોડાઉનમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવાનું શરૂ કરેલું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અલપ્રાઝોલમ નામના માદક પદાર્થ બનાવવા માટેની પ્રક્રિયા કુલ 7 સ્ટેજથી હોય છે. જે પૈકી આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજ પ્રક્રિયા પૂર્ણ કરી લીધેલ હતી. જેના પરિણામ સ્વરૂપે ઇન્ટરમિડીયેટ કેમિકલ પાઉડર બે અમોનિયા, પાંચ ક્લોરા બેન્જોફીનાલ બનાવવા આવ્યું હતું.