એમ્નેક્સ ઇન્ફોટેકનોલોજીસના અધિકૃત સર્વેયરો મિલકત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી એકત્ર કરશે: નાગરિકોને સહકાર આપવા અપીલ મોરબી અપડેટ: મોરબી શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસને વધુ ગતિ આપવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા મોરબી શહેરમાં 'અર્બન એટલાસ પ્રોજેક્ટ' હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત ડ્રોન અને GIS આધારિત સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે Amnex Infotechnologies Pvt. Ltd. ની નિમણૂક કરવામાં આવી છે.આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મોરબી શહેરની વર્તમાન શહેરી પરિસ્થિતિ, મિલકતો, જાહેર ઉપયોગિતાઓ તથા વિવિધ શહેરી સંપત્તિઓ અંગેની ચોક્કસ અને GIS આધારિત ડિજિટલ માહિતી તૈયાર કરવાનો છે. આ માહિતીના આધારે ભવિષ્યના શહેરી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મજબૂત ડેટાબેઝ ઊભો કરવામાં આવશે.આ સર્વે કામગીરી દરમિયાન Amnex Infotechnologies Pvt. Ltd. ના અધિકૃત સર્વે કર્મચારીઓ તથા ડ્રોન સર્વે ટીમ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરશે. સર્વેયર દ્વારા મિલકત સંબંધિત સામાન્ય અને જરૂરી માહિતી માંગવામાં આવી શકે છે. નાગરિકો દ્વારા આપવામાં આવતી આ માહિતીનો ઉપયોગ પ્રોજેક્ટના અધિકૃત હેતુઓ માટે જ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાના નગર નિયોજક દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સર્વે ટીમને જરૂરી અને સાચી માહિતી ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપે. સર્વે કામગીરી માટે આવતા અધિકૃત કર્મચારીઓ પાસે કંપનીનું અધિકૃત ઓળખપત્ર (ID Card) રહેશે. જો નાગરિકોને કોઈ પણ વ્યક્તિ અંગે શંકા હોય તો તેઓ તેનું અધિકૃત ઓળખપત્ર ચકાસી શકે છે. મોરબી શહેરના વિકાસ માટે હાથ ધરવામાં આવેલ આ ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટને સફળ બનાવવા મહાનગરપાલિકાએ નાગરિકોનો સહકાર માંગ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #UrbanAtlasProject #DroneSurvey #GISMapping #GUDM #GujaratUrbanDevelopmentMission #AmnexInfotechnologies #SmartCityMorbi