રવિરાજ ચોકડીથી લક્ષ્મીનગર ગામ સુધી વાહનોના થપ્પામોરબી : કેન્દ્ર સરકારે ઇન્ડિયન પિનલ કોડમાં ફેરફારો સાથે ત્રણ નવા કાયદાને મંજુર કર્યા બાદ અકસ્માતના કિસ્સામાં વાહન ચાલકને સાતથી દસ વર્ષ સુધીની કેદની જોગવાઈ કરતા આજે મોરબી જિલ્લામા ડ્રાઇવરો વિફર્યા હતા અને રસ્તા ઉપર ઉતરી આવી ચક્કા જામ કરતા રવિરાજ ચોકડીથી લઈ લક્ષ્મીનગર ગામ સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા.જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જુના ભારતીય કાયદામાં સંશોધન કરી નવા ત્રણ કાયદા અમલી બનાવતા આ કાયદા તળે અકસ્માતના કિસ્સામાં વાહન ચાલકો માટે આકરી જોગવાઈ કરી અકસ્માતના કિસ્સામાં આ અંગે પોલીસને જાણ ન કરવાના કિસ્સામાં તો સાતથી દસ વર્ષ સુધી સજાની જોગવાઈ કરતા મોરબી જિલ્લાના ડ્રાઇવરોએ આજે અચાનક જ સવારે માળીયા મોરબી નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ સર્જતાં રવિરાજ ચોકડીથી લક્ષ્મીનગર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સિરામિક ઉદ્યોગને પગલે હજારો ટ્રક ચાલી રહ્યા છે અને ટ્રક ડ્રાઇવરો પણ મોટી સંખ્યામાં હોય આજે ડ્રાઇવરોના સંગઠન દ્વારા આ ચક્કાજામ કરી નવો કાયદો વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ હોવાનો સુર વ્યક્ત કરી રોષભેર ચક્કજામને અંજામ આપ્યો હતો. ચક્કાજામ સર્જાતા મોરબી તાલુકા પોલીસ મથકની ટિમો બનાવ સ્થળે દોડી ગઇ હતી.