મોરબીઃ આજ રોજ તારીખ 25 જુલાઈના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સયુંકત ઉપક્રમે રવાપર તાલુકા શાળા મોરબી ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમાકુના વ્યસન અંગે જાગૃતિ આવે તે માટે યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા. ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન, તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરના સી.એચ.ઓ પ્રજ્ઞેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સબ સેન્ટર રવાપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને શાળાના આચાર્ય હિરેન સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રવાપરનો આભારવિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્યના સ્ટાફ એમ.પી.એચ.એસ. દિનેશભાઈ રાંકજા અને એમ.પી.એચ.ડબલ્યુ વિજયગીરી ગોસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.