ટંકારાના કોરોના દર્દીના મોત મામલે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ તંત્રની ચોખવટ મોરબી : મોરબી સિવિલના તબીબ કોરોના પેશન્ટને તપાસવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતા ટંકારાના દર્દીનું મોત થવા પ્રકરણમાં આજે આરએમઓ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તબીબની બેદરકારી ન હોવાનું સ્પષ્ટ કરવાની સાથે ફરજ ઉપરના તબીબ આરટીપીસીઆરના રિપોર્ટ માટે મોબાઈલમાં કામગીરી કરતા હોવાનું પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. મોરબી સીવિલમાં ટંકારાના દર્દીને સારવાર આપવાને બદલે ફરજ ઉપરના તબીબ હર્ષ કેલા મોબાઈલમાં વ્યસ્ત રહ્યા હોવાનું દર્દીના પરજવારજનોએ આરોપ લગાવી હંગામો મચાવ્યો હતો. આ મામલે ઇન્ચાર્જ આરએમઓ પટેલે આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગઇકાલની ઘટનામાં ફરજ ઉપરના તબીબ અને નર્સ દ્વારા દર્દીને જરૂરી ઇન્જેક્શન અને ઇસીજી રિપોર્ટ કર્યા હતા. વધુમાં તબીબ મોબાઈલમાં વ્યસ્ત હોવાના આરોપનું ખંડન કરતા ઇન્ચાર્જ આરએમઓ પટેલે જણાવ્યું હતું કે આરટીપીસીઆર રિપોર્ટ અંગેની વિગતો ઓનલાઈન મોકલવાની હોય તબીબ પોતાના મોબાઈલથી એ વિગતો મોકલાવી રહ્યા હોય દર્દીના પરિવારજનોએ આ આરોપ લગાવ્યો હતો જે પાયાવિહોણો હોવાનું તેમને ઉમેર્યું હતું. જો કે,કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં તબીબો રાત દિવસ જોયા વગર સતત ફરજ બજાવી રહ્યા છે ત્યારે દર્દીના પરિવારજનો દ્વારા પણ ધીરજ રાખવાની તાતી જરૂરિયાત છે.આ કિસ્સામાં દર્દીના પરિવારજનો દ્વારા તબીબ ઉપર હુમલો કરવાની પણ કોશિશ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે માનવતાની દ્રષ્ટિએ તબીબ દ્વારા પોલીસ ફરિયાદ નથી નોંધાવાઇ તો બીજી તરફ દર્દીના પરિવારજનોને પોતાની ભૂલ સમજાતા માફીનામું પણ લખી આપવામાં આવ્યું છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાં દર્દીઓના પરિવારજનો ધીરજ રાખે તેવું તબીબી આલમ અનુરોધ કરી રહ્યો છે.