ટંકારાના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળીટંકારા : વિશ્વ રત્ન બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકરજીનાં 134માં જન્મ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી હતી. ત્યારે ગત તારીખ 14 એપ્રિલના રોજ ટંકારા તાલુકામાં પણ હર્ષોલ્લાસ સાથે ડો. બાબાસાહેબની જન્મ જયંતી ઉજવાઈ હતી. ટંકારા વિસ્તારનાં સર્વ સમાજનાં આગેવાનો તેમજ ધારાસભ્ય સહિતનાં હોદ્દેદારો દ્વારા તથાગત ગૌતમ બુદ્ધ તથા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને દિપ પ્રાગટય કરીને નવનિર્મિત ડો.આંબેડકર ભવનથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ટંકારાનાં મુખ્ય માર્ગો પરથી નિકળતી મહારેલી માટે ઠેર ઠેર ઠંડા પીણાનાં સ્ટોલ તેમજ ભીમ ગરબાનું આયોજન કરાયું હતું. નવનિર્મિત ટંકારા નગરપાલિકા ભવન સ્થિત બુદ્ધ પ્રતિમાને વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સવારનાં 9 વાગ્યે થી તત્સત્ ગૃપ તરફથી ફ્રી આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત્સલ્ય સંસ્થા તરફથી સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ તેમજ બ્લડ ગૃપ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગોકુલ હોસ્પિટલ રાજકોટ તરફથી તબીબી ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.આંબેડકર ભવન પર સમાપન સમયે શોભાયાત્રા મહાસભામાં ફેરવાઈ હતી. જ્યાં વક્તાઓએ બાબાસાહેબનાં જીવન સંદેશ વિષે વક્તવ્યો આપ્યા હતા. આ સમયે સમારંભ દરમિયાન દાતાઓને ફૂલહારથી સન્માનિત કરાયાં હતાં. આ અવસરે મૈત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.