મુખ્ય રાજમાર્ગો પર શોભાયાત્રા યોજાઈ : મૈત્રી ભીમ ભોજન સાથે સમાનતાનો સંદેશ અપાયોટંકારા : ટંકારા શહેરમાં દેશના સંવિધાનના નિર્માતા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને આંબેડકર ભવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ડૉ. આંબેડકર ભવન સેવા સમિતિના નેજા હેઠળ આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સવારે લતીપર હાઈવે પર આવેલી તાલુકા પંચાયત સામેથી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે ટંકારાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આંબેડકર ભવન પર પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં ભીમ ગીતો અને ભીમ ગરબાના સૂરોથી વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો, કાર્યકર્તાઓ અને પરિવારો સહિત તમામ વર્ગના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેપારી એસોસિએશન, આર્ય સમાજ દળ અને ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા દરમિયાન લોકો માટે છાશ તથા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.શહેરના મુખ્ય માર્ગો ભીમ ગીતો અને ભીમ ગરબાના નાદથી ગુંજી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહી બન્યું હતું. કાર્યક્રમના અંતે મૈત્રી ભીમ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજના લોકોએ એકસાથે પંગતમાં બેસીને ભોજન લીધું હતું અને સમાજમાં સમાનતા તથા મૈત્રીનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમ થકી ડૉ. આંબેડકરના વિચારો, સામાજિક ન્યાય અને શિક્ષણના મહત્વને વધુ ઉજાગર કરવામાં આવ્યો હતો.#Tankara #DrBabasahebAmbedkar #AmbedkarJayanti #MorbiUpdate #BhimBhojan #Equality #SocialJustice #TankaraNews