પુસ્તકમાં પ્રવર્તમાન રીતરિવાજો, જૂની પ્રથાઓનું શ્લેષયુક્ત સ્મરણ, સામાજિક સમસ્યાઓ, અને રાષ્ટ્ર વિકાસના માર્ગમાં આવતી અડચણો પર વ્યંગ આલેખાયું મોરબી: ગુજરાતી સાહિત્યના હાસ્યવ્યંગ ક્ષેત્રે મોરબીને વિશિષ્ટ ઓળખ અપાવનાર લેખક ડૉ. અમૃત કાંજિયાનું છઠ્ઠું પુસ્તક 'હરતાં-ફરતાં' પ્રકાશિત થયું છે. ડૉ. કાંજિયા સોશિયલ મીડિયા પર પણ તેમના હાસ્યનિબંધો દ્વારા વાચકોને નિયમિતપણે હળવાશ પૂરી પાડે છે.'હરતાં-ફરતાં' પુસ્તકમાં ડૉ. કાંજિયાએ તીવ્ર બુદ્ધિમત્તા અને સૂક્ષ્મ કટાક્ષયુક્ત રમૂજથી ભરપૂર લેખો રજૂ કર્યા છે. તેઓ રોજિંદા જીવનના સામાન્ય પ્રસંગોને કુશળતાપૂર્વક ઝીલીને, તેનું મંથન કરીને હાસ્યવ્યંગના રસથાળ સમાન લેખો વાચકો સમક્ષ મૂકે છે. આ પુસ્તકની હાસ્ય રચનાઓ અવળવાણી કે અતિશયોક્તિ પર આધારિત નથી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાંથી આપોઆપ હાસ્ય નિષ્પન્ન થાય તેવી લેખન શૈલી ધરાવે છે. લેખકે હાસ્ય ઉત્પન્ન કરી શકે તેવી પરિસ્થિતિઓને અત્યંત કુશળતાપૂર્વક પકડી છે.આ પુસ્તક વિષયવૈવિધ્યથી સમૃદ્ધ છે. તેમાં પ્રવર્તમાન રીતરિવાજો, જૂની પ્રથાઓનું શ્લેષયુક્ત સ્મરણ, સામાજિક સમસ્યાઓ, અને રાષ્ટ્ર વિકાસના માર્ગમાં આવતી અડચણો પર વ્યંગ જોવા મળે છે. આ ઉપરાંત, દાંપત્યજીવન અને શાળાકીય અનુભવો પરના કટાક્ષ અને રમૂજ પણ પુષ્કળ પ્રમાણમાં છે. ચોરી, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા સંવેદનશીલ વિષયો પર પણ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ. કાંજિયાના આ નવા પુસ્તકને સાહિત્ય જગતમાં ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે.