મોરબી : સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતા સાયબર ક્રાઇમમાં વધારો થવો, સોશિયલ મીડિયા મારફતે ફ્રોડ, પજવણી અને બ્લેકમેઇલ જેવી અનેક ઘટનાઓ વધી રહી છે ત્યારે આવી ઘટનાઓ અંગે જન જાગૃતિ લાવવા મોરબીની શ્રી દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે પોલીસ દ્વારા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલી દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ ખાતે આજે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સાયબર સિક્યુરિટી તથા સાયબર ક્રાઇમ, ટ્રાફિક જનજાગૃતિ અને A ડિવિઝનની 'SHE TEAM' દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી સભર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક પટેલ, પી. આઈ જાડેજા, સાયબર સેલ પી. આઈ. વ્યાસ, ટ્રાફિક નિયંત્રણ શાખાના પી.એસ. આઈ. ઠક્કર, SHE TEAM નાં પી. એસ. આઈ. પુષ્પાબેન સોનારા હાજર રહ્યા હતા. પોલીસ વિભાગના સ્ટાફ દ્વારા ત્રણેય વિભાગની કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો સંયમ પૂર્વક ઉપયોગ કેમ કરવો, ઓનલાઈન થતાં ફ્રોડથી કેવી રીતે બચી શકાય, ટ્રાફિક નિયમનના નિયમો અને લોકોની ટ્રાફિક અંગે કેવી રીતે જાગૃતિ વધે વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા અને આ બધી માહિતી વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા અને આસપાસના લોકોને સમજાવે તથા પ્રચાર પ્રસાર થાય એ માટે નાયબ પોલીસ અધિક્ષક પટેલ દ્વારા સર્વેને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 425 વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફએ ભાગ લીધો હતો. આજના કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી તથા શાળાના સર્વે સ્ટાફએ ખૂબ જહેમત ઉઠાવી હોવાનું શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીની યાદીમાં જણાવાયું હતું.