તાવમાં રાહત માટે ડોલો-૬૫૦ની ૩૫૦ કરોડ ટૅબ્લેટનું વેચાણ થયું : પેરાસીટામોલનું સૌથી વધુ વેચાણ મોરબી : કોરેનાનાં લક્ષણોમાં તાવ સૌથી આગળ પડતો છે ત્યારે સરકારી કેન્દ્રોમાં અને મોટા ભાગના ડૉક્ટરો દ્વારા પણ એ તાવના ઇલાજ માટે ડોલો-૬૫૦ ટૅબ્લેટ આપવામાં આવતી હતી. કોરોનાકાળ દરમિયાન ડોલો-૬૫૦ની ૩૫૦ કરોડ ટૅબ્લેટનું વેચાણ થયું હોવાનું હાલમાં જ કરાયેલા એક સર્વેમાં જણાઈ આવ્યું છે. જોકે એમ છતાં તાવ હોય ત્યારે લેવાતી ટૅબ્લેટમાં જીએસકેની કાલપોલ પહેલા ક્રમે છે જ્યારે ડોલો-૬૫૦ બીજા ક્રમે અને ક્રૉસિન છઠ્ઠા ક્રમે છે. ૧.૫ સેન્ટિમીટર લાંબી ડોલો-૬૫૦ની ઓવલ શેપની ૩૫૦ કરોડ ટૅબ્લેટ એકની ઉપર એક ગોઠવવામાં આવે તો એની ઊંચાઈ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં પણ ૬ હજારગણી વધી જાય. આઇઓવીઆઇએ દ્વારા કરાયેલા સર્વેના ડેટામાં જણાઈ આવ્યું હતું કે ૨૦૧૯માં એટલે કે કોવિડ પહેલાં ડોલો-૬૫૦ની ૭.૫ કરોડ સ્ટ્રિપનું વેચાણ થયું હતું. એ પછી નવેમ્બર ૨૦૨૧ સુધીમાં એની ૧૪.૫ કરોડ સ્ટ્રિપનું વેચાણ થયું હતું. કોરોનાની પહેલી લહેર સપ્ટેમ્બર ૨૦૨૦માં આવી હતી અને બીજી લહેર મે ૨૦૨૧માં આવી હતી. દેશમાં આ બન્ને લહેર દરમ્યાન ૩.૫ કરોડ જેટલા કેસ નોંધાયા હતા. એથી બન્ને વર્ષ દરમિયાન કુલ ૩૫૦ કરોડ કરતાં વધુ ડોલો-૬૫૦ ટૅબ્લેટ વેચાઈ હતી. ૨૦૨૧માં ડોલો-૬૫૦ બીજા નંબરની સૌથી વધુ તાવ માટેની વેચાતી દવા બની ગઈ છે. એનું ૩૦૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું છે, જ્યારે પહેલા નંબર આવનાર કાલપોલનું ટર્નઓવર એનાથી થોડું જ વધારે ૩૧૦ કરોડ રૂપિયા નોંધાયું છે. તેમ જ ક્રૉસિન ૨૬. ૩ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે છઠ્ઠા ક્રમે રહી છે. ડોલો અને અન્ય તાવની દવાના બેઝિક ડ્રગ પૅરાસિટામોલની બધી જ બ્રાન્ડનું વેચાણ ૨૦૧૯માં ૩૫૦ કરોડ જેટલું હતું. એ ૨૦૧૯ પછી ૭૦ ટકા જેટલું વધી ગયું હતું અને ૨૦૨૧માં એ ૯૨૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..